પાટીદાર સમાજની વિવિધ 18 સંસ્થાઓની વિશ્વ ઉમિયાધામ ખાતે બંધબારણે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

અમદાવાદના જાસપુર, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજના દિગ્ગજો અને સંસ્થાઓના ટ્રસ્ટીઓ, પ્રમુખો સહિતના હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાઈ. બંધબારણે યોજાયેલી આ બેઠકમાં સરકાર પાસેથી વિવિધ માગણીઓ ઉપરાંત સમાજના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જ્યારે પાટીદાર સમાજની આટલી બધી સંસ્થાઓના પ્રમુખ એક સાથે ઉપસ્થિત રહ્યા હોય તેવામાં નરેશ પટેલની ગેરહાજરી નજરે ચડી આવી હતી.

અગાઉ તા. 12 જૂન 2021 ના રોજ ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી અને ત્યાર બાદ આજે આ બીજી બેઠક મળી છે. બેઠકમાં પાટીદારો સહિતના બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તેમજ બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પાટીદાર સમાજની યુવતીઓના પોતાની મરજી પ્રમાણેના લગ્નોમાં માતા-પિતાના હસ્તાક્ષર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ આ અંગે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરી કોઈ પણ પાટીદાર સમાજની દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરે ત્યારે તેના માતા-પિતાની ’સંમતિ’રૂપ સહી હોવી ફરજીયાત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવનાર છે.

સાથે જ તાજેતરમાં યોજાયેલી પીએસઆઈની ભરતીમાં સવર્ણ સમાજને થયેલા અન્યાયનો મુદ્દો પણ આવરી લેવાયો હતો.

બેઠકમાં પાટીદારોની 18 સંસ્થાઓએ એકસાથે મળીને પાટીદાર સમાજની અનામતની માગણીના અનુસંધાને પાટીદાર સમાજનો સર્વે કરાવવાની દિશામાં કાર્યવાહી કરવા ઉપરાંત, અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા, શહીદોના પરિવારજનોને નોકરી આપવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.