મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા: મેયર-ચેરમેન સહિતના પદાધિકારીઓને રજૂઆત
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા બે દિવસ પૂર્વે શહેરના સામા કાંઠે વિસ્તારમાં વોર્ડ નં.4માં ભગવતીપરા નજીક આવેલા સુખસાગર સોસાયટી નામના વિસ્તારમાં આવાસ યોજનાના અનામત પ્લોટમાં બનેલું રામદેવપીરનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. જેના સામે વાલ્મીકી સમાજમાં ભારોભાર રોષની લાગણી ફાટી નીકળી છે.
મંદિર પુન: બનાવી આપવાની માંગણી સાથે આજે વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા. મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના પદાધિકારીઓને રજૂઆત કરી હતી. મંદિરનું ડિમોલીશન કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે અને લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઇ હોય તેવું લાગી રહ્યું છે.