આયાતના સૌથી મોટા સ્ત્રોત એવા હોંગકોંગ, દુબઇને બદલે અન્ય અજાણ્યા સ્ત્રોતોથી આયાતવૃદ્ધિ થઇ
૨૦૧૩ અને ૨૦૧૪માં હીરા અને કીમતી રત્નોનો ઉપયોગ વેપાર આધારિત મની લોન્ડરિંગ માટે થયાની ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને આશંકા
ચાલુ વર્ષે કટ ડાયમંડની આયાતમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. જોકે, મહત્ત્વની વાત એ છે કે, આ વખતે આયાત દુબઈ, બેલ્જિયમ અને હોંગકોંગ જેવા ભારતને નિયમિત નિકાસ કરતા દેશોમાંથી નહીં પણ અજાણ્યા સ્રોતો (અનસ્પેસિફાઇડ સોર્સિસ)થી થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બાબત બહુ અસામાન્ય છે કારણ કે આયાતમાં અચાનક ઉછાળા માટે સ્પષ્ટતા આપવી મુશ્કેલ છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન પી એસ પંડ્યાએ જણાવ્યું હતું કે, કુલ આયાત બે અબજ ડોલરથી વધુ હોવી જોઈએ નહીં.
એપ્રિલ-નવેમ્બરના ગાળામાં કટ ડાયમંડની કુલ આયાત ૨૮૪ ટકા ઊછળી ₹૪૦,૮૦૯ કરોડ (૬.૩ અબજ ડોલર) થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹૧૦,૬૭૨ કરોડ હતી. જેમાં ૭૮ ટકા અથવા ₹૩૨,૦૨૮ કરોડના મૂલ્યની આયાત અજાણ્યા સ્રોતોમાંથી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, નવેમ્બર ૨૦૧૬ના અંતે અજાણ્યા સ્રોતોથી થયેલી આયાત માત્ર ₹૧૮.૨ કરોડ હતી. ૨૦૧૬-૧૭માં આ આંકડો માત્ર ₹૫૧૯ કરોડ હતો. અનસ્પેસિફાઇડ કેટેગરીમાં સામાન્ય રીતે ચોક્કસ માહિતી દર્શાવવામાં આવતી નથી. કેટલીક વખત આયાત કરવામાં આવી હોય એ દેશનું નામ એન્ટ્રીના બિલ પર લખેલું હોતું નથી. નિષ્ણાતોના મતે આંકડાનું સંકલન કરવામાં આવે ત્યારે કેટલીક અનસ્પેસિફાઇડ આયાત ચોક્કસ દેશોમાંથી થઈ હોવાનું દર્શાવાય છે, પણ આટલો મોટો આંકડો અસામાન્ય છે.
એક જાણકારના જણાવ્યા અનુસાર પોલિશ્ડ ડાયમંડ્સની આયાતમાં વૃદ્ધિથી રફ ડાયમંડની આયાતમાં થોડો ઘટાડો થવો જોઈએ, પણ આંકડા એવું દર્શાવતા નથી. આ પ્રકારની આયાતના સૌથી મોટા સ્રોત હોંગકોંગથી એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ઇમ્પોર્ટ ૨૫ ટકા ઘટીને ₹૩,૮૪૮ કરોડ થઈ છે.
ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ૨૦૧૩ અને ૨૦૧૪માં હીરા અને કીમતી રત્નોનો ઉપયોગ વેપાર આધારિત મની લોન્ડરિંગ માટે થતો હોવાનું જણાવ્યું હતું. જેમાં બેન્કિંગ ચેનલ્સ પણ સામેલ હોવાની માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આયાતની સામે નિકાસમાં કોઈ મોટો વધારો થયો નથી. મોતી તેમજ કીમતી રત્નોની માંગમાં તો એપ્રિલ-ડિસેમ્બરમાં ૧.૬ ટકા ઘટાડો નોંધાયો છે, જે અગાઉના વર્ષની તુલનામાં ઘટીને ₹૧.૨૧ લાખ કરોડ થઈ છે.