સુરેન્દ્રનગર જિલ્લાની મહિલા કોંગ્રેસ સમિતિનું સંમેલન યોજાયું:ગુજરાત કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ અને સુરેન્દ્રનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ગાયત્રી બા વાઘેલાની ઉપસ્થિતિમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી અનુસંધાને વિધાનસભા મત ક્ષેત્રમાં મહિલાઓ ખુબ અસરકારક ભૂમિકા પ્રદાન કરે અને કોંગ્રેસ પક્ષની વિચારધારા અને સિધ્ધિઓ જન જન સુધી પહોચાડવાની કામગીરી કરે તે હેતુસર મહિલા સંગઠન સંમેલનનું આયોજન વઢવાણ શહેર ખાતે કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે મહિલા સશકિતકરણ અને મહિલાઓનાં હક અને અધિકાર માટે તથા સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી બંધ પડેલ નારી સુરક્ષા કેન્દ્ર તાત્કાલીક કાર્યરત નહી કરવામાં આવે તો ભાજપ સરકાર સામે લાલ આંખ કરી આંદોલન કરવાની ફરજ પડશે. તેવી સામુહિક રજૂઆત કરવામાં આવી હતી.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રત્યેક મતદાન મથકો પર બુથ દીઠ બે શિક્ષીત મહિલા સહયોગીને મુકવામાં આવશે જે મતદાન મથકો પર આદર્શ આચાર સંહિતાનો અમલ કરાવવા સક્રિય રહેશે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રી બા વાઘેલા, ગીતાબે રંગપરા અને સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રભારી દિપ્તીબેન સોલંકીએ મોંઘવારી મુદા પર દિન પ્રતિદિન મોંઘુ શિક્ષણ, પાયમાલ થતો ખેડુત અને ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. તે અંગે ચિંતા વ્યકત કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જવલંત વિજયી બનાવવા આજથી જ કામે લાગી જવા મહિલાઓને હાકલ કરી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન સુબોધ જોષી અને સુરેન્દ્રનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુ.