૮.૦૪ લાખની પુરાંતવાળું બજેટ મંજુર
મોરબી નગરપાલિકાનું બજેટ બોર્ડ તોફાની બન્યું હતું અને વિપક્ષ ભાજપના હંગામા અને ઉગ્ર વિરોધ વચ્ચે સત્તાધારી કોંગ્રેસ પક્ષે બહુમતીના જોરે બજેટ સહિતના એજન્ડાઓ મંજુર કરાવ્યા હતા તો વિપક્ષ ભાજપે બજેટ બોર્ડ રદ કરવાની માંગ કરી હતી
મોરબી નગરપાલિકાના સભાખંડમાં આજે પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ચીફ ઓફિસર સાગર રાડિયાના અધ્યક્ષસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બજેટ બોર્ડ મળ્યું હતું જેમાં એજન્ડા નં ૦૧ ગત જનરલ બોર્ડ તા. ૩૧-૦૧-૨૦૧૯ નું પ્રોસીડીંગ કાયમી કરવાનો એજન્ડા પેન્ડીંગ રહ્યો હતો તે સિવાયના બજેટ સહિતના તમામ એજન્ડા સત્તાધારી કોંગ્રેસ પક્ષે બહુમતીના જોરે મંજુર કરાવ્યા હતા બજેટ બોર્ડમાં ૫૨ માંથી ૪૩ સદસ્યો હાજર રહ્યા હતા અને મતદાનમાં કોંગ્રેસના ૨૨ સદસ્યોએ મતદાન કરીને એજન્ડા પસાર કરાવ્યા હતા તો વિપક્ષ ભાજપે વિરોધ નોંધાવ્યો હતો એક સદસ્ય તટસ્થ રહીને મતદાનમાં ભાગ લીધો ના હતો.
બજેટમાં મોરબીવાસીઓ માટે શું છે ખાસ ?
મોરબી પાલિકા હદ વિસ્તારમાં નવા રસ્તા બનાવવા ૬૫૦ લાખ રૂપિયા અને જુના રસ્તાના સમારકામ માટે ૪૦૦ લાખ
સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ ૧૦૦ લાખ તથા IHSDP આવાસ યોજના માટે ૨૦૦ લાખ પાલિકાના સ્વભંડોળમાંથી
મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં નટરાજ ફાટક ઓવરબ્રિજ ૪૦ લાખ અને ઝૂલતો પુલ રીપેરીંગ માટે ૪૦ લાખની ફાળવણી
પાલિકા વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે ૨૦૦૦ લાખ સ્ટોમ વોટર માટે ૫૦૦ લાખની ફાળવણી અને સાયકલ ટ્રેક માટે ૫૦૦ લાખ
એજન્ડાની ચર્ચા ના કરી લોકશાહીની હત્યા, બોર્ડ રદ થવું જોઈએ : ભાજપ
બજેટ બોર્ડમાં એજન્ડાઓની ચર્ચા કર્યા વિના જ મંજુર કરાવાતા વિપક્ષ ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને શર્ટ કાઢી વિરોધ દર્શાવ્યો હતો તેમજ મિનીટ બૂક માં પ્રમુખની સહી ના કરવા અંગે હોબાળો મચ્યો હતો મહિલા સદસ્યોએ ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો તો જયરાજસિંહે લોકશાહીની હત્યા ગણાવી બોર્ડ રદ કરવા માંગ કરી હતી.
વિપક્ષને વિરોધ કરવો છે અમારે વિકાસ કાર્યો : પ્રમુખ
બોર્ડ પૂર્ણ થયા બાદ મિનીટ બૂક સાઈન વિવાદ અંગે પ્રમુખે જણાવ્યું હતું કે પ્રમુખની ચેમ્બરમાં સહી કરાય છે તો વિપક્ષના વિરોધ અંગે જણાવ્યું હતું કે બજેટ સદસ્યો માટે નહિ પ્રજા માટે હતું પરંતુ વિપક્ષને વિરોધ જ કરવો છે જયારે અમારે પ્રજાહિતના કાર્યો કરવા છે.
મહિલા સદસ્યના વિસ્તારમાં સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત
બોર્ડ પૂર્ણ થયા બાદ ભાજપના મહિલા સદસ્ય હિનાબા જાડેજાએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં પહોંચી રજૂઆત કરી હતી તેના વિસ્તારની અનેક સમસ્યાઓ અંગે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ઉગ્ર રજૂઆત કરી હતી.