આધુનિક હોસ્પિટલના બાંધકામની ટેન્ડરની પ્રક્રિયા પુર્ણ થયેલી હોવા છતાં બાંધકામ શરૂ ન થતા લોકોમાં ચર્ચાનો વિષય
કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હોસ્પિટલનું બાંધકામ જલ્દી શ‚ કરવામાં આવે તેવી માંગણી કરી ગુજરાત સરકાર દ્વારા મે ૨૦૧૬થી સામુહિક આરોગ્ય કેન્દ્ર કેશોદને ૭૫ પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લાકક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરી હયાત મકાનનું વિસ્તરણ કરવા મંજુરી આપવામાં આવેલ છે. આ મંજુર થયેલ હોસ્પિટલ માટેના બાંધકામની ટેન્ડરની કામગીરી પણ પૂર્ણ થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
કેશોદ તાલુકાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વસ્તી તેમજ આમ પ્રજાજનો સારવાર અર્થે કેશોદ તાલુકાને અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલની જરૂરત છે જેનાથી કેશોદ તાલુકા ઉપરાંત માળીયા હાટીના મેંદડરા માંગરોળ અને વેરાવળ તાલુકા સહિતના દર્દીઓને પણ સારવારનો લાભ મળશે. તેમજ માંગરોળ તાલુકાનો ઘેડ વિસ્તારનો ભાગ આવેલ છે. જેના કારણે વર્ષાઋતુમાં પાણીજન્ય રોગો અને સર્પ દંશના દર્દીઓ વધારે પ્રમાણમાં આવે છે.
તેમજ આ હોસ્પિટલ સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ હોય જેના કારણે અકસ્માતના કેસો પણ વધારે આવતા હોય જેમાં ઈમરજન્સી કિસ્સામાં ૭૫ પથારીની આધુનિક સુવિધાઓવાળી હોસ્પિટલ હોય તો ગંભીર અકસ્માતના કિસ્સામાં દર્દીઓને સારી સારવાર અહીં જ મળી રહે અને હાયર સેન્ટરમાં રીફર કરવા પડે નહીં અને અનેક લોકોની જીંદગી બચી શકે આ ઉપરાંત સગર્ભા મહિલાઓ અને બાળકો પણ સારવાર અર્થે આવે છે તેને પણ અદ્યતન હોસ્પિટલની સારી સારવારનો લાભ મળી રહે.
કેશોદમાં આધુનિક સુવિધાઓવાળી પેટા જીલ્લાકક્ષાની હોસ્પિટલ બનવાથી ચારથી પાંચ તાલુકાના સો થઈ પણ વધારે ગામોના દર્દીઓને તેનો લાભ મળી શકે તે માટે મંજુર થયેલ ૭૫ પથારીની પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલનું બાંધકામ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને લેખિત રજુઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોણા ત્રણ વર્ષ પહેલા મંજુર થયેલ અને આધુનિક હોસ્પિટલના બાંધકામની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોવા છતાં બાંધકામ કેમ શરૂ કરવામાં નથી આવતું તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.