લોકોને ટાઢ, તાપ અને વરસાદમાં ખુલ્લામાં ઉભા રહેવું પડે છે : વિહિપ અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : મોરબીના સામાકાંઠાનો વિસ્તાર ઔદ્યોગિક રીતે ડેવલોપ થયો છે. છતા સુવિધાના અભાવે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને સામાકાંઠે બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાથી લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી સામાકાંઠે બસ સ્ટેન્ડની સુવિધા આપવાની માંગ કરી છે.
મોરબીના વિહિપ અગ્રણી હસમુખભાઇ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું કે ઔદ્યોગિક નગરી મોરબી જિલ્લો બન્યો તેને ૪ વર્ષ પૂર્ણ થવા છતાં ઘણી સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ખાસ કરીને મોરબીનો સામાકાંઠા વિસ્તાર ઔદ્યોગિક ક્ષેત્રે સમૃદ્ધ થયો છે. જેથી અહીં બસ સ્ટેન્ડની સુવિધાની તાતી જરૂરિયાત છે.
સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા બસ સ્ટોપ પાસે મોટી સંખ્યામાં લોકો વરસાદ ,ટાઢ, તડકો વેઠીને બસની રાહ જોતા હોય છે. જેથી સામાકાંઠા વિસ્તારના લોકોની આ સમસ્યા નિવારવા તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ છે.