આગની ઘટનામાં કરોડની નુકશાની માટે ફાયર બ્રિગેડ જવાબદાર
મોરબી નગર પાલિકાના બાબા આદમકાળ ના સમય ના ફાયર ફાયટરો બદલી શહેર બહાર નવું ફાયર સ્ટેશન બનાવવાની માંગ સાથે ગઈકાલે સિરામિક એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોરબી ઉદ્યોગમાં વિકાસ પામતું શહેર છે. અહીં સિરામિકની ૭૦૦થી વધુ ફેકટરીઓ છે. જેમાં કિલન આવે છે. અને ટેમ્પરેચર ભઠ્ઠીનો ઉપયોગ થાય છે. આથી અવારનવાર આગ લાગવાના અને મોટી જાનહાની થવાના જોખમો રહેલા હોય મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા, નિલેશ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજા, કિરીટભાઈ પટેલ,મનસુખભાઇ પટેલ સહિતના ઉદ્યોગકારોએ મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલને મોરબીનાં ઔદ્યોગિક વિસ્તારમાં નવું અદ્યતન ફાયરસ્ટેશન આપવા માંગ કરી હતી.વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં કંડલા રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું. જે પાછળ મોરબી ફાયરબ્રિગેડની અપૂરતી ફેસેલિટી કારણભૂત છે. મોરબી ફાયરબ્રિગેડ પાસે કોઈ એવા સુવિધાનાં સાધનો નથી જે મોટી આગ પર કાબુ મેળવી શકે. આ બાબતે તંત્ર નહીં જાગે તો મોટી હોનારત સર્જાય શકે છે.
આગ લાગવાના કિસ્સામાં મોટાભાગે રાજકોટથી ફાયર ફાયટર આવે છે ત્યારે આગ કાબુમાં આવે છે. મોરબી કે વાંકાનેરનાં ફાયરબ્રિગેડ સ્ટેશન ફેસેલિટીનાં નામે મીંડું છે. મોરબીનાં ઔદ્યોગિક વિકાસ મુજબ સામાંકાંઠે વિસ્તારમાં આધુનિક ફાયરસ્ટેશનની તાતી જરૂરિયાત છે. તે પણ ઉચ્ચ ટેકનોલોજી સાથે કારણ કે, દિવસનાં સમયે જો કશે આગ લાગે તો દોઢ-બે કલાકે તો ટ્રાફિકમાંથી ફાયરબ્રિગેડ આવે ત્યાં તો મોટું નુકસાન થઈ જતું હોય છે.