કાયદાકિય અર્થઘટનનો પ્રશ્ર્ન હોય તો હાલમાં યોજાનાર સિન્ડિકેટ બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા કુલપતિને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિવર્સિટી દ્વારા એકસટર્નલ વિર્દ્યાથી તરીકે સ્નાતક અનુસ્નાતકના અનેક વિષયોમાં પ્રવેશ આપવામાં આવતા હતા. પરંતુ વર્ષો બાદ આ કાર્યવાહી હાલ તુરંત બંધ કરવામાં આવી છે. આ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાહ્ય વિર્દ્યાથી તરીકે સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસક્રમ કરવા માંગતા હજારો વિર્દ્યાથીઓ માટે આંચકારૂપ છે. જે અંગે સિન્ડીકેટ સભ્ય ડો.નિદત બારોટ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું હતું કે, શિક્ષણ એ રાજ્ય અને કેન્દ્ર એમ બંનેની બંધારણીય યાદીમાં સમાવિષ્ટ બાબત છે માટે શિક્ષણને લગતા નિર્ણય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કક્ષાએથી લેવાતા હોય છે. જ્યારે કેન્દ્ર સરકાર ભારતની લોકસભા, રાજ્યસભામાંથી કાયદા સ્વરૂપે નિર્ણય કરે ત્યારે તે નિર્ણયને અનુસરવા રાજ્ય સરકાર બંધાયેલી છે. આ સિવાયની બાબતમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકારે કઈ શિક્ષણ વ્યવસ ચલાવવી તે રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્ય સરકારે વર્ષ ૧૯૬૪ના અધિનિયમથી રચના કરી છે. વિધાનસભાએ કાયદો મંજૂર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અસ્તિત્વ બાદ યુનિવર્સિટીએ કરવાના કાર્યોને વિધાનસભાએ કાયદા દ્વારા પ્રસ્થાપિત કર્યા છે. આ કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જુદા જુદા સ્ટેચ્યુટની રચના કરી મંજૂરી અર્થે ગુજરાત રાજ્ય મહામહિમ રાજ્યપાલ સમક્ષ મોકલ્યા હોય છે અને રાજ્યના રાજ્યપાલ પોતાની સતા મુજબ આ સ્ટેચ્યુટને મંજૂર કરતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે યુનિવર્સિટીના વિધાનસભાએ આપેલા હક્ક અને વ્યવસ્થા મુજબ વિધિ સતા મંડળોમાં ઠરાવ કરી સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ ગુજરાતના રાજયપાલને અભ્યાસક્રમ ચાલુ કરવા માટે મંજૂરી માંગવા મોકલી આપે છે. વિધાનસભાએ આપેલા અધિકાર મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી થાય ત્યારપછી જ કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ યુનિવર્સિટીમાં શરૂ થઈ શકે. આનો અર્થ એ થાય કે કોઈપણ પ્રકારના અભ્યાસક્રમ યુનિવર્સિટી પોતાની રીતે શરૂ કરતી નથી. જે કઈ કાર્યવાહી થાય છે તે વિધાનસભાએ મંજૂર કરેલા કાયદા મુજબ અને ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલના આદેશ અનુમતિ અનુસાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં ચાલતા એકસટર્નલ અભ્યાસક્રમો પણ આ તમામ કાયદાકીય પ્રક્રિયા કરાયા પછી શરૂ થયા છે.
આ સંદર્ભે કોઈપણ પ્રકારની કાયદાકીય અર્થઘટનનો પ્રશ્ર્ન હોય તો સ્થાનિક કક્ષાએ હાલમાં જ યોજાનાર સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા કરી નિર્ણય કરવાની માંગ છે.