પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન ખાતે કરોડો રૂપીયાના ખર્ચે લેસર શો ની શરૂઆત કરવામાં આવી હતી. આ લેસર શો માં ગાંધીજીના જીવનના પ્રસંગો પ્રોજેકટર દ્વારા બતાવવામાં આવતા હતા, જેને નિહાળવા અસંખ્ય પ્રવાસીઓ પણ ઉમટતા હતા, પરંતુ કોરોના કાળ પહેલાથી આ લેસર શો બંધ છે. જેને ફરી શરૂ કરવા શહેરીજનો માંગ કરી રહ્રાા છે.
પોરબંદરની નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવન ખાતે મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત થ્રીડી મેપિગ લેસર શો શરુ કરાયો હતો. ગાંધીભુમી પોરબંદરની મુલાકાતે આવતા પ્રવાસીઓ ગાંધીજીના જીવન વિષે જાણી શકે તેના માટે વર્ષ ર016માં આ થ્રીડી લેસર શો કાર્યરત કરવામાં આવ્યો હતો. જેની પાછળ અંદાજે બે કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ગાંધીજીના જીવન મૂલ્યો લોક માનસ સુધી પહોચે તે હેતુથી બનાવવામાં આવેલા. આ લેસર શો માટે વિદેશથી પ્રોજેક્ટર મંગાવ્યા હતા. લેસર શો નિહાળવા માટે પ્રવાસીઓ તેમજ પોરબંદરના શહેરીજનો આવતા હતા અને લેસર શો નિહાળીને ગર્વ અનુભવતા હતા. આ લેસર શો શરૂઆતમાં થોડો સમય કાર્યરત રહ્યો હતો. બાદમાં છેલ્લા ઘણા સમયથી ચાલુ-બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ લેસર શો પાછળ પણ જે રીતે મોટો ખર્ચ કરવામાં આવ્યો છે તે પ્રમાણે તેનો લાભ પ્રવાસીઓને મળી શક્યો નથી.
છેલ્લે ર018 થી પાલિકા પાસે આ લેસર શોની જવાબદારી હોવાથી પાલિકા દ્વારા સબ સલામત હોવાના દાવાઓ કરાઈ રહ્યા છે. પરંતુ છેલ્લા બે વરસ થી કોરોનાને લઇને અહી લેસર શો બંધ રહ્યો હતો. જેના કારણે અહી સમારકામ જરૂરી બન્યું હતું. ત્યારે પાલિકા દ્વારા તાજેતરમાં અઢી લાખ રૂપીયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું છે. જેમાં બેઠક વ્યવસ્થા, કલર, વેલ્ડીગ કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા વિવિધ છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે હજુ સુધી લેસર શો શરૂ કરવામાં આવ્યો નથી. ત્યારે મર્યાદિત સંખ્યામાં ગાઈડલાઈનના પાલન સાથે લેસર શો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.