- આરોગ્ય કેન્દ્રો પરથી ફરી કયારથી કામગીરી શરૂ થાય તે નકકી નથી: અતુલ રાજાણી
શહેરમાં કોર્પોરેશનના તમામ આરોગ્ય કેન્દ્ર પર છેલ્લા ઘણા દિવસથી આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેનાં કારણે લોકોમાં જબરો દેકારો બોલી ગયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીના જણાવ્યાનુસાર શહેરમાં છેલ્લા પાંચેક દિવસથી મહાપાલિકાના 23 આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડ નીકળવાનું સદંતર ઠપ્પ થઈ ગયું છે. જો કે અમુક આરોગ્ય કેન્દ્ર પર તો લાંબા સમયથી આ કામગીરી આટોપી લેવામાં આવી છે. મહાપાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત થયા મુજબ રાજ્ય સરકારના સોફ્ટવેરમાં ફેરફાર ને કારણે સમસ્યા ઊભી થઈ છે. જે આવકના દાખલા ઉપર આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા તે બંધ થયા છે. અને કયારે શરૂ થશે એ કાંઈ નક્કી ન કહી શકાય એટલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ક્યારેક રાજ્ય સરકારના સોફ્ટવેર અને ક્યારેક કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ક્યારેક રાજકોટ મહાનગરપાલિકાના અણઘડ વહીવટને પગલે જન્મ મરણ ના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો અને જે આરોગ્યમાં જરૂરી હોય તે સંપૂર્ણપણે જ્યારે બંધ હોય ત્યારે મહાનગરપાલિકા થી લઈને ઉપર સુધી છેક કેન્દ્ર સરકાર સુધી ભાજપ સરકાર હોય અને તેમ છતાં સરકારો અને મહાનગરપાલિકા નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે લોકોને ભોગવવાનું આવે છે. લાઈનો બંધ થતી નથી. લોકોને કોઈ પણ ડોક્યુમેન્ટ માટે સવારથી સાંજ સુધી ધક્કા ખાવા પડે છે. અને તેમ છતાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે ખામીયુક્ત સેવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. ખામીયુક્ત સોફ્ટવેર ક્યારે શરૂ કરાશે તેની કોઈ માહિતી ઉપરથી નીચે સુધીના સરકારી તંત્ર પાસે ન હોવાને બદલે લોકોને રોજબરોજ આયુષ્માન કેન્દ્ર પર આટા ફેરા કરવા પડે છે.