રાજા રઝવાડા કાળથી એરસ્ટ્રીપની સુવિધા ધરાવતા મોરબીમાં ઔધોગિક વિકાસની હરણફાળ ભરવા છતાં સરકાર દ્વારા એરપોર્ટની સુવિધા ન અપાતા વિશ્વહિન્દુ પરિષદના અગ્રણી દ્વારા મોરબીમાં એરપોર્ટની સુવિધા મળે તો ટુરિસ્ટ હબ તરીકે વિકસી શકે તેમ હોવાનું જણાવી એરપોર્ટ સુવિધા આપવા માંગ કરવામાં આવી છે.
મોરબી વિશ્વ હિંદુ પરિષદના જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે હાલ ઓદ્યોગિક નગરી મોરબી જીલ્લો બની ગયો છે અહીં સિરામિક, ઘડિયાળ અને નળિયા સહિતના ઉદ્યોગમાં મોરબી ગુજરાતમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે અને સરકારને પુષ્કળ મહેસુલી આવક પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગને કારણે ઉદ્યોગપતિઓને વારંવાર હવાઈ યાત્રા કરવાની થતી હોવા ઉપરાંત દેશ વિદેશના ખરીદદારોને પણ મોરબીમાં આવવાનું થતું હોય જો એરપોર્ટની સુવિધા આપવમાં આવે તો સરકારને સારી આવક મળી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.
મોરબીમાં જોવાલાયક સ્થળો જેવા કે ઝૂલતો પુલ, મણી મંદિર, દરબાર ગઢ તેમજ વવાણીયા શ્રીમદ રાજચંદ્રભૂમિના દર્શન અને જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે તેમજ ટંકારા ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી આશ્રમમાં પણ દેશ વિદેશના પર્યટકો આવતા હોય એરપોર્ટની સુવિધાથી ટુરિઝમ પણ વિકસે તેમ હોવાનું રજુઆતમાં જણાવાયું હતું.
રજૂઆતના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના અંતર્ગત જો મોરબીને એરપોર્ટ સુવિધા મળે તો ટુરિસ્ટ હબ તરીકે મોરબીનો વિકાસ થશે જેથી મોરબીના નગરજનોને એરપોર્ટની સુવિધા તાકીદે મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવી હતી.