પ્રાંત અધિકારીએ દ્વારકા પી.આઈ અને મંદીરના વહીવટદારને પાંચ દિવસમાં કાર્યવાહી સાથે રીપોર્ટ કરવા આદેશ
દ્વારકાધીશ જગતમંદિરમાં અનધિકૃત રીતે મોબાઈલ સાથે પ્રવેશ અને વૈશ્ર્વિક પ્રસારણ કરાતું હોવાની દેવસ્થાન સમિતિના સદસ્ય અને શહેર ભાજપ પ્રમુખ પરેશ ઝાખરીયા દ્વારા ઉચ્ચકક્ષાએ કરેલી રજુઆતને તાત્કાલિક પડઘો પડયો છે.
ગઈકાલે તેમની રજુઆતને અનુલક્ષીને દ્વારકાના પ્રાંત અધિકારી અને મંદિરના વહીવટદાર પી.એ.જાડેજાએ દ્વારકા પોલીસ તેમજ મંદિરના નાયબ વહીવટદારને આ રજુઆત અંગે ધોરણસરની તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરી કરેલ કાર્યવાહીનો અહેવાલ દિન-૫માં તેમની કચેરીને મોકલી આપવા આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્રે સ્થાનીય ગ્રામજનોની પણ માંગ છે કે સોશ્યલ મીડિયામાં જગતમંદિરની અંદરની પ્રવૃતિને પોતાનો વટ પાડવા માટે ગેરકાયદે પ્રદર્શિત કરનારાઓ સામે પોલીસ વિભાગ તપાસ બાદ ભીનું ન સંકેલે અને આ કૃત્યમાં જવાબદારો સામે યોગ્ય પગલાઓ લેવાય જેથી ભવિષ્યમાં મંદિરની સુરક્ષાને જોખમમાં મુકતા ઈસમો આવી પ્રવૃતિ ન કરે તેવું નકકર પરીણામ મળે તેવી અપેક્ષાઓ સેવી રહ્યા છે.