સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
હાલમાં દેશભરમાં દરેક ક્ષેત્રમાં કોરોના વોરિયર્સને તબક્કાવાર અગ્રતા મુજબ રસીકરણનું અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. હાલમાં જ્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાતની તમામ સરકારી શાળાઓના કર્મચારીઓને કોરોના વોરિયર્સમાં સમાવેશ કરી, અગ્રતા આપી નિ:શુલ્ક કોરોનાની રસી આપવામાં આવી રહી છે, ત્યારે રાજયની ખાનગી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને પણ આ રસીકરણનો લાભ મળે તેવી માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. કોરોના કાળમાં સરકારી શાળાના શિક્ષકોની જેમ ખાનગી શાળાના શિક્ષકોએ પણ નિયમીત શાળામાં હાજર રહીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે પોતાની સ્વાસ્થ્યની પરવાહ ન કરીને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષને બચાવવાની પ્રશંસનિય કામગીરી કરી છે. તો રસીકરણમાં ખાનગી શાળાઓના શિક્ષકોને વંચીત ન રાખવા જોઈએ.
જે રીતે રસીકરણ અભિયાનમાં સરકારએ કોરોના વોરિયર્સ તરીકે સરકારી હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ સાથે ખાનગી હોસ્પિટલોના ડોકટરો અને નર્સીંગ સ્ટાફને સમાન અધિકાર સાથે રસીકરણનો લાભ આપ્યો છે, તેવી રીતે શાળા કક્ષાએ સરકારી શાળાઓના શિક્ષકોના રસીકરણમાં ખાનગી શાળાના શિક્ષકોને પણ લાભ મળે તેવી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ છે. રાજ્યમાં હવે તબક્કાવાર શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓના સીધા સંપર્કમાં આવી રહ્યા હોય, બન્નેની સુરક્ષા માટે શિક્ષકોને રસીકરણ આવશ્યક છે. ગુજરાત રાજ્યમાં ૧૫,૦૦૦થી વધુ ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા ૫ લાખથી વધુ શિક્ષકો જેમાં રાજકોટ જીલ્લાની ૭૦૦ શાળાઓના ૨૫,૦૦૦થી વધુ શિક્ષકોનો સમાવેશ થાય છે, તેમને પણ રસીકરણનો લાભ મળે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ને ખાનગી શાળાઓના શિક્ષકોને કોરોના વોરીયર્સ તરીકે રસીકરણનો લાભ મળે તે માટે અપીલ કરવામાં આવશે.