અગાઉ ખનિજચોરોને પકડ્યા બાદ કાર્યવાહી ન કરાઇ જાગૃત નાગરિકની પોલીસ ઇન્સ્પેકટરને રજુઆત
વાંકાનેરના રસીક્ગઢ ગામે ગેરકાયદેસર રેતી ચોરી કરતા ત્રણ ડમ્પર અને એક જેસીબી પકડાયા હતા. પરંતુ પોલીસ દ્વારા ખનિજચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા જાગૃત નાગરિકે આ અંગે પોલીસ ઇન્સ્પેકટરને રજુઆત કરી હતી.
નવા ગારીયા ગામના સિદ્ધરાજસિંહ વાળાએ પોલીસ ઇન્સ્પેકટરને જણાવ્યું હતું કે વાંકાનેરના રસીક્ગઢ ગામે મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ચોરીનું કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હોય ગામના જાગૃત નાગરિક દ્વારા પોલીસને સો નંબર પર ફરિયાદ કરતાં નદીના પટમાં પોલીસ દ્વારા ત્રણ ડમ્પર અને એક જેસીબી પકડી પાડવામાં આવેલ અને કાયદેસરની કાર્યવાહી માટે સિટી પોલીસ મથકે આ ઝડપી પાડેલ વાહન મુકવામાં આવ્યા હતા.
ફરિયાદી દ્વારા સિટી પોલીસ મથકે તપાસ કરતાં ત્યાં જેસીબી જોવા મળેલ નહીં અને આ ત્રણ ડમ્પરો વિરુદ્ધ ગેરકાયદેસર રેતી ખનનનો કેસ કરવાને બદલે સામાન્ય કાગળોનો મેમો આપવામાં આવ્યો હતો. આ ખનિજચોરો રાજકીય લાગવગ ધરાવતા હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ છે.