માલ ઓછો અપાતો હોવાની રાવ: લાગતા વળગતાઓને કંતાનનાં કોથળામાં અપાતો માલ: નેવૈદ્ય નહીં આપનારને રવિ નામનો શખ્સ હેરાન કરી નિયમિત માલ નથી આપતો

અગાઉ ઉપલેટામાં કોલકી રોડ ઉપર આવેલ પુરવઠા નિગમનાં ગોડાઉનમાં પોલમપોલ ચાલવાને કારણે ગરીબોને અપાતો રાશનનો જથ્થો છેક ગોંડલ અને રાજકોટની બજારમાંથી મળી આવ્યો તેમ આગામી દિવસોમાં પણ આવું ન બને તે માટે તંત્રએ વહેલાસર પગલા લઈ મેનેજરનાં બદલે રવિ નામનાં શખ્સ ગોડાઉનમાં કારોબાર ચલાવી રહ્યો છે ત્યારે તપાસ કરવા માંગ ઉઠી છે.

ઉપલેટાનાં કોલકી રોડ ઉપર આવેલ પુરવઠા નિગમનાં ગોડાઉનમાં મેનેજરની મીઠી નજર નીચે રવિ નામના વચેટીયા શખ્સ દ્વારા પ્રસાદી નહીં આપનાર સસ્તા અનાજનાં પરવાનેદારો સામે કિન્નાખોરી માલ વજનમાં ઓછો આપવો, લાગતા વળગતા સસ્તા અનાજનાં પરવાનેદારોને કંતાનનાં કોથળામાં માલ આપી તેનાં બદલામાં મલાઈ લઈ લેતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયારે કોઈ તુવેરદાળ ગોડાઉન હોવા છતાં સસ્તા અનાજનાં પરવાનેદાર ઓનલાઈન પરમીટ લઈને જાય તો માલ નથી આવ્યો જણાવી દઈને માલ અપાતો નથી આને કારણે રાશન લેતા લોકોને સસ્તા અનાજની દુકાને બે-બે ધકકા ખાવા પડે છે આને કારણે પારાવાર નુકસાની રાશન લેતા લોકોએ ભોગવવી પડે છે.

પુરવઠા નિગમનાં ગોડાઉનની સંપૂર્ણ જવાબદારી નિગમનાં મેનેજરની હોય છે પણ ઉપલેટા ગોડાઉનનો સંપર્ણૂ કારોબાર મેનેજરનાં કદાગરો રવિ નામનો શખ્સ ચલાવી રહ્યો છે. જયારે કોઈ સસ્તા અનાજનાં પરવાનેદાર ગોડાઉન મેનેજરને ફરિયાદ કરેતો કહે છે કે રવિને પુછો ગોડાઉનમાં માલ ઉપાડતા સસ્તા અનાજનાં પરવાનેદારોમાં ચા કરતાં કિટલી ગરમ તેવી કહેવત સંભળાઈ રહી છે. હાલમાં પણ ગોડાઉન મેનેજરનાં જણાવ્યા પ્રમાણે મે મહિનાની ખાંડ ઉપરથી આવી નથી તેવું કહેવામાં આવે છે. સરકાર દ્વારા છાસવારે રાશનધારકો માટે વિવિધ અનાજનો જથ્થો વધારી આપવામાં આવેલ છે તેવી જાહેરાતો કરે છે પણ ઉપલેટાનાં રાશનધારકોને હજુ સુધી વધારાનો જથ્થો મળેલ નથી. આમ ઉપલેટા નિગમનાં ગોડાઉન ફરી પાછું વિવાદમાં સપડાઈ તે પહેલા મેનેજર અને તેના કદાગરા શખ્સ સામે ઉંડી તપાસ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.