રોગપ્રતિકારક શક્તિ કહો કે આજકાલ જે શબ્દની સખત ડિમાન્ડ થઈ ગઈ છે એ “ઇમ્યુનિટી” શું છે? આ શબ્દ બહુ ચવાઈ ગયો છે કોરોનાકાળમાં અને ત્યારે શરીર કઈ રીતે રોગો સામે અડીખમ ઊભું રહેવા સક્ષમ બને છે અને કઈ રીતે નબળું પડે છે એ થોડું ઊંડાણમાં સમજવું અને સમજાવવું આજે ખાસ અનિવાર્ય લાગે છે. તો ચાલો આજથી થોડી થોડી વાત કરીએ એના વિશે આયુર્વેદની દ્રષ્ટિએ સંપૂર્ણ આયુર્વેદ સંમત કોન્સેપ્ટ્સને સાથે રાખીને. આ વિષય એક આખી લેખમાળા થાય એટલો મોટો છે અને બનશે એટલું મારી રીતે લખવા અને સમજાવવા પ્રયત્ન કરીશ અહીં. આજની પોસ્ટ માત્ર એની પૂર્વભૂમિકા રૂપે છે.
તો એ વાત શરૂ કરતાં પહેલાં સૌથી પહેલાં એ સમજવું પડશે કે ઇમ્યુનિટી એટલે શું? મેડિકલ ડેપ્થમાં ન પડીએ તો સીધા શબ્દોમાં સરળ અર્થ (૩ ઇડિયટ્સમાં રેન્ચોએ કહેલી “મશીનની વ્યાખ્યા જેવો અર્થ, સહેલી ભાષામાં એ છે કે કોઈ પણ રોગથી શરીર સરળતાથી ગ્રસ્ત ન થઇ જાય એવી એની પોતાની અંદરની શક્તિ એટલે ઇમ્યુનિટી. આયુર્વેદમાં શરીર બળનો જે કોન્સેપ્ટ છે એ આ ઇમ્યુનિટીની વાત કરે છે. લસિકા ગ્રંથિ, ટી સેલ્સ, બી સેલ્સ, શ્વેતકણો વગેરે ઘટકો ધરાવતી ઇમ્યુન સિસ્ટમ વાળી ઇમ્યુનિટી એટલે આયુર્વેદનું શરીર બળ નહીં કે બોડીબિલ્ડીંગ કે જિમ જવાથી મળતી તાકાત માત્ર શરીર બળ નથી. એ એનો એક ભાગ હોઈ શકે પણ આયુર્વેદે કહેલું શરીર બળ એક બહુ વિશાળ ક્ષેત્ર છે.
આ શરીર બળ ત્રણ પ્રકારનું હોય- સહજ, કાલજ અને યુક્તિકૃત. આમાં સહજ એટલે જન્મ સાથે વ્યક્તિને જે બલ મળે છે એ- બાય ડિફોલ્ટ મળતું બલ. એ બલ પૂરેપૂરું ગર્ભાવસ્થા પર આધાર રાખે છે એની વાત આગળ કરશું. બીજું છે કાલજ. કાલજ એટલે કે સમય આધારિત. અલગ અલગ ઋતુઓમાં, દિવસના જુદા જુદા ભાગોમાં અને વ્યક્તિની ઉંમર આધારિત અવસ્થાઓમાં જે અલગ અલગ બલ હોય એ કાલજ બલ. અને ત્રીજું છે યુક્તિકૃત. યુક્તિકૃત એટલે વ્યક્તિ પોતે આહાર-વિહારનું ધ્યાન રાખીને, વિવિધ ઔષધો કે પંચકર્મ જેવી પ્રક્રિયાઓના આધારે જે બલ પોતે પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરે છે એ યુક્તિકૃત બલ.
હવે એ શરીર બળ શ્રેષ્ઠ કેમ રહી શકે એ સમજવું હોય, તો આપણા શરીરમાં સારા કે ખરાબ ફેરફારો કરતા પરિબળો ક્યા ક્યા છે એ બધું જ જાણવું પડે. કારણ કે અંતે તો એ દરેક વસ્તુ શરીર બળ પર અસર કરે છે. હવે અહીં એન્ટ્રી થાય છે આયુર્વેદના જ બીજા બહુ ચવાઈ ગયેલા (પણ સામાન્ય પ્રજામાં બહુ ઓછાને સમજાયેલા) શબ્દો “આહાર-વિહારની. એ શબ્દો આપણે બધા બહુ સરળતાથી બધી જગ્યાએ બોલીએ અને સાંભળીએ છીએ. પણ એનું વજન આપણા શરીર બળના પ્રબળ કે નબળા હોવા પર કેટલું છે એ ભાગ્યે જ વિચારીએ છીએ. આ આહાર વિહારમાં એક આખું ફિલ્ડ “લાઇફસ્ટાઇલ આવી જાય છે.
અરે! આયુર્વેદ તો એક વ્યક્તિના સ્વાસ્થ્ય અને એના શરીર બળમાં એની ગર્ભાવસ્થાના પ્લાનિંગથી લઇને જન્મ સુધીના માતા-પિતાના આહાર-વિહાર, માતાની આસપાસના વાતાવરણ અને જન્મ પછી બાળક સ્તનપાન કરે ત્યાં સુધીના માતાના આહાર વિહારની સૂક્ષ્માતિસૂક્ષ્મ ડિટેઇલ્ડ ઈમ્પેક્ટ સુધી પહોંચેલું છે, જે વ્યક્તિના સહજ બલનું કારણ છે. આને અમારા ગુરુ વૈદ્ય તપન સરના શબ્દોમાં કહું, તો ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, રહેવું-કરવું અને હરવું-ફરવું- આ ચાર શબ્દયુગ્મોમાં જીવનશૈલીની કહો કે લાઈફસ્ટાઈલની- એટલે કે અલ્ટીમેટલી આહાર-વિહારની આખી રમત છે.
આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કેમ રહીએ છીએ, શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ અને કઈ રીતે જઈએ છીએ એ દરેક બાબત સૂક્ષ્મથી લઈને સ્થૂળ રીતે આપના શરીર પર પ્રભાવ પાડે છે. એ પણ આખા દિવસ દરમ્યાન અને વિવિધ ઋતુઓમાં કેવું હોવું જોઈએ એની પણ બહુ વિસ્તારપૂર્વકની સમજણ છે (દિનચર્યા અને ઋતુચર્યા). હવે એ સારા-ખરાબ પ્રભાવનો સરવાળો-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર થઈને છેલ્લે જેટલો અને જેવો પ્રભાવ બચે છે એ આપણા શરીર બળને બનાવે છે. એટલે જો આપણે એમ માનતા હોઈએ કે આપણે જે ખાવું પીવું હોય એ ખાઈએ-પીએ, જે કરવું હોય એ કરીએ, શરીરના બળ સાથે, આપણા શરીરની જે બાયોલોજીકલ સિસ્ટમ આપણને કુદરતે આપી છે (અને એને શ્રેષ્ઠ રીતે ચલાવવાની આપણી ફરજ છે), એની સાથે જે ચેડાં કરવાં હોય એ કરીએ અને છેલ્લે સ્વસ્થ રહીએ અને સ્વસ્થ ન રહીએ તો દવાઓ (કોઈ પણ પથીની) ખાઈને સાજા થઈ જઈએ તો એક પ્રજા તરીકે એનાથી મોટી મૂર્ખામી કોઈ નથી.
આહાર-વિહારની અને અન્ય બીજી વાતો તો પછી આગળ આ લેખમાળામાં કરશું ધીરે ધીરે. પણ તમે ક્યારેય એ વિચાર્યું છે, કે અત્યારે આપણી જે લાઇફસ્ટાઇલ છે, એમાં કેટલી જાતના કેમિકલ્સ કેટલા બધા સોર્સથી આપણા શરીરમાં જઇ રહ્યા છે? એ કેમિકલ્સ આપણી ઇમ્યુનિટી વધારતા તો નથી, અને મોટાભાગે તો ઘટાડે જ છે એ પણ આપણે જાણીએ છીએ. છતાં સભાનપણે આપણે ક્યારેય શરીરમાં જતા કેમિકલ્સની માત્રા ઘટાડવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે?
આપણે કોઈ પણ ફળ કે શાકભાજી ખાઈએ એ રાસાયણિક ખાતરો નાખેલી જમીનમાં ઉગેલાં હોય છે અને ઉપરથી પેસ્ટીસાઈડ્સ નખાયેલા હોય છે. એની અસર પાણીથી ધોઇ નાખવાથી જતી નથી રહેતી. પછી એ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે, અગેઇન એમાં કેમિકલના વાયુઓ ભળશે. તમે જે દવાઓ ખાઓ છો (ક્યારેક અનિવાર્યપણે તો ક્યારેક સાવ બિનજરૂરી) એ પણ કેમિકલ્સ જ છે. પેક્ડ ફૂડ આઇટમ્સ કે બોટલ પેક્ડ લિક્વિડ્સમાં (પછી ભલે એનું “એનર્જી ડ્રિન્ક જેવું રૂપાળું નામ કેમ ન હોય!), સોફ્ટ ડિં્રક્સમાં તો ઠીક મોટી મોટી ડેરીઓના કોથળીના દૂધમાં પણ પ્રિઝર્વેટિવ્સ તો કાયદેસર રીતે હોય જ છે. અને તમે જે દૂધ પીઓ છો એ દૂધ પણ કેમિકલથી બનેલું નથી એની શું ખાતરી છે?
જે કોસ્મેટિક્સ આપણે વાપરતા હોઈએ છીએ એ પણ કેમિકલ્સ વગર બનવા શક્ય નથી. ભલે એ હર્બલ કે નેચરલ નામે વેચાતા હોય તો પણ કેમિકલ તો એમાં રહેવાના જ. આપણે શ્વાસમાં લઈએ છીએ એ હવા કેટલી શુદ્ધ છે? અને જો એમાં ટોક્સિક વાયુઓ છે અને વધી રહ્યા છે એ ખબર છે, તો હવાને શુદ્ધ રાખવાના કે કરવાના કેટલા પ્રયાસ આપણે કર્યા? મિનિમમ માત્ર એક વૃક્ષ આખા જીવનકાળમાં ટોટલ વસ્તીના કેટલા ટકા લોકોએ વાવ્યું હશે? તમને જાણીને નવાઈ લાગશે, ઘણા બધા ગેજેટ્સ જે આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ, એ પણ આપણા શરીરને ઝેરી તત્ત્વોનું એક્સપોઝર આપે છે. આમાંના મોટા ભાગના કેમિકલ્સ કે ટોક્સિન્સ શરીરની વિવિધ સિસ્ટમ્સને નબળી પાડે છે.
હજી તો મેં મોબાઈલના રેડિએશનનું તો નામ જ નથી લીધું, કારણ કે એ મુદ્દો બહુ ચવાયેલો છે. પણ ચવાયેલો મુદ્દો હોવાથી રેડિએશનની હાનિકારકતા ઓછી નથી થઈ જતી.. આ બધું મળીને શું આપણું શરીર બળ વધારતું હશે કે ઘટાડતું હશે? અને આપણા શરીરને આ કેમિકલ્સ અને રેડીએશનમાં જ ચારેબાજુ, અંદરથી અને બહારથી ઘેરાયેલું રાખીને આપણે કુદરતે આપણને આપેલી સર્વોત્તમ ગિફ્ટ એવા આપના શરીરનુ અપમાન નથી કરી રહ્યા?
આ બધું કરીને કુદરતનું અપમાન અને એને નુકસાન પહોંચાડવાની વાત જ નથી કરી કારણ કે અહીં અપ્રસ્તુત છે. તમને શું લાગે છે? આ માણસજાત શરીરના મામલે આગળ નબળી પડવાની છે કે પ્રબળ થઈ શકવાની છે? મારો જવાબ છે: જો આયુર્વેદ લાઇફસ્ટાઇલ અપનાવશે તો ચોક્કસ હજી પ્રબળ બનશે. આ લાઈફસ્ટાઈલ ફરજીયાત નથી કદાચ, પણ હિતાવહ જરૂર છે અને એ ચોઇસ માણસના જ હાથમાં છે. બીજું બધું જ છોડીને, શરીરનું ધ્યાન રાખવું.