- યાર્ડમાં 10,000 ભારી મરચાની આવક: ખેડૂતોને રૂ.1500થી લઇ 5000 સુધીના મણદીઠ મરચાના ભાવ મળ્યાં
જામનગર જિલ્લાના સૌથી મોટા હાપા માર્કેટિંગ યાર્ડમાં સિઝનની માફક જુદી જુદી જણસોની આવક થતી હોય છે. ત્યારે હાલ જીરુ અને કપાસની જંગી આવક જોવા મળી રહી છે. તેવામાં આજે જામનગર યાર્ડમાં સુકા મરચાની જબરદસ્ત આવક થતા મરચાની આવક બંધ રાખવાની નોબત આવી છે. મહત્વનું છે કે હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના આગમચેતીના ભાગરૂપે જામનગર યાર્ડમાં મરચાની આવક બંધ કરાઈ હતી. પરંતુ હવે માવઠાની મોકાણ હટતાં આવક શરૂ કરાય છે. જેને લઈને આજે મરચાની જંગી આવક નોંધાઈ હતી.
હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાની 10,000 ભારીની આવક થઈ હતી. વહેલી સવારથી જ ખેડૂતો 205 વાહનમાં મરચા ભરીને આવેલ હતા. જેને લઈને રવિવાર બપોરના 12:00 વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચાની આવક બંધ કરવાની ફરજ પડી છે. જગ્યા સહિતના પ્રશ્નો ઉભા થતાં મરચાંની આવક બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ મરચાની સિઝનને લઈ અને જામનગર યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ 1500 રૂપિયાથી માંડી 5000 રૂપિયા સુધીના મણદીઠ મરચાના ભાવ મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતો આ સારા ભાવને લઈ આકર્ષાય રહ્યા છે અને તેઓ પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે પરિણામે જામનગર યાર્ડમાં મરચાની સારી એવી આવક નોંધાઈ રહી છે.