અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી લોકચાહના મેળવનારનો સંગઠનમાં ઉપયોગ થશે?
જુનાગઢના પૂર્વ મેયર અને સાત સાત વખત જુનાગઢની સીટ ઉપર મોટી લીડ સાથે વિજય બનેલા જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂને પ્રદેશની બોડીમાં મુઠ્ઠી ઊંચેરા સ્થાનની જવાબદારી સોંપવામાં આવે તેવી તેમના ચાહક વર્ગ અને ટેકેદારો માંથી માંગ ઉઠવા પામી છે.
જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સાત વખત જુનાગઢ ની સીટ ઉપર ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવેલા છે, આ ઉપરાંત તેઓ પ્રથમ મહાનગરપાલિકાના મેયર પદે સેવા આપ્યા બાદ પાંચ વર્ષ વિરોધ પક્ષના નેતા અને હાલમાં પણ નગર સેવક તરીકે સેવા આપી રહ્યા છે, આ સિવાય જુના જન સંઘી ગણાતા મશરૂભાઈ મિસા વખતે જેલમાં પણ જઈ આવ્યા છે અને પ્રજાલક્ષી તથા પક્ષના સનિશ્ઠ કાર્યકર તરીકે અનેક ચળવળમાં તેમનો સિંહફાળો રહેવા પામ્યો છે.
મહેન્દ્રભાઈ મશરૂને વર્ષો પહેલા સર્વોદય બ્લડ બેન્ક નામની એક સંસ્થા શરૂ કરી અત્યાર સુધીમાં લાખો લોકોને રક્ત પૂરું પાડવાની સેવા આપવાની સાથે હાલમાં પણ સર્વોદય બ્લડ બેન્ક દવા રાહત ફંડ દ્વારા બ્લડ કેમ્પ ના આયોજન અને લોકોને બ્લડ કેમ્પ માટે પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને દવા પૂરી પાડવા સહિત અનેક સામાજિક પ્રવૃત્તિઓ માટે રાત દિવસ તેમની સેવા જ્યોત ચાલુ જ રાખવામાં આવી છે.
યુવાવસ્થાથી જ સેવાકીય અને બાદમાં રાજકીય ક્ષેત્રમાં બહુમૂલ્ય યોગદાન આપતા મશરુંનો ચાહક વર્ગ જૂનાગઢમાં બહુ મોટા પ્રમાણમાં છે આ સિવાય લોહાણા સમાજના આગેવાન હોવાના નાતે લોહાણા સમાજમાં રાજ્ય લેવલે તેમને આદરણીય સ્થાન આપવામાં આવે છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના લોહાણા સમાજ અને તેમના વિશાળ ભાજપના ચાહક વર્ગ દ્વારા મહેન્દ્રભાઈ ને આ વખત પ્રદેશ કક્ષાએ મુઠ્ઠી ઊંચેરું સ્થાન આપવામાં આવે તેવી લાગણી પ્રબળ બની રહી છે.