એક સમયનો મોભાદાર વ્યવસાય હાલ ’ઝઝૂમી’ રહ્યો છે
લોકડાઉનના કારણે વિશ્વના મોટાભાગના વેપાર-ધંધા અને વ્યવસાયને મરણતોલ ફટકો પડ્યો હતો. સરકારે ધીમી ગતિએ લોકડાઉનને ઉઠાવ્યું તો છે પરંતુ હજુ ઘણા વ્યવસાય એવા છે જેની ગાડી પાટે ચડી નથી. ખાસ કરીને વકીલાતના વ્યવસાય કોરોનાના કારણે ઝઝુમી રહ્યો છે. કેટલાક જુનીયર વકીલો તો પેટીયુ રળવા માટે રીક્ષા ચલાવવા કે રેસ્ટોરન્ટમાં કામ કરવા મજબૂર બન્યા છે. એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં વકીલોની સ્થિતિ દયનીય થઈ ગઈ હોય. આવા સમયે વકીલોને રૂા.૩ લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ રજૂઆત કરી હતી. સરકારને જરૂરીયાતમંદ વકીલોની વહારે આવવા માટે વડી અદાલત દ્વારા આદેશ અપાય તેવી માંગણી થઈ હતી. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા વતી પીટીશન વકીલ એસ.એન.ભાટએ કરી હતી. જેમાં માગણી થઈ હતી કે, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા પાસે અત્યારે વકીલોની જરૂરીયાતને પહોંચી વળવા માટે ભંડોળ નથી. માટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને આર્થિક સહાય વકીલોને આપવી જોઈએ. વ્યાજ વગર રૂા.૩ લાખ સુધીની લોન વકીલને આપવી જોઈએ. જ્યારે ન્યાય પ્રણાલી ફરીથી પૂર્વવ્રત થઈ જાય ત્યારબાદ તેના હપ્તા કપાવવા જોઈએ.
આ રકમની ફાળવણી દરેક રાજ્યના બાર કાઉન્સીલના માધ્યમથી થવી જોઈએ. નોંધનીય છે કે, એક સમયનો મોભાદાર ગણાતો વકીલાતનો વ્યવસાય કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. અબતક મીડિયા દ્વારા પણ થોડા સમય પહેલા વકીલોની કફોડી હાલત અંગે તંત્રને માહિતગાર કરવાનો પ્રયાસ થયો હતો. લાંબા સમયથી ન્યાય પ્રણાલી બંધ હતી. જેથી કેસ લડીને ગુજરાન ચલાવતા વકીલોની હાલત કફોડી બની હતી. માત્ર કેસ લડવા નહીં પરંતુ અન્ય ન્યાયના કામ બંધ હોવાથી લાખો વકીલોની આવક બંધ થઈ ગઈ હતી.
દરમિયાન રાજકોટ સહિતની બાર કાઉન્સીલ દ્વારા વકીલોને મદદ કરવા પ્રયાસ તો થયા હતા પરંતુ જે રીતનો મરણતોલ ફટકો મહામારીના કારણે પહોંચ્યો છે તે કક્ષાની આર્થિક સહાય કરવા તમામ બાર કાઉન્સીલ સક્ષમ નથી.
જેથી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ વડી અદાલતમાં ધા નાખ્યો છે અને સરકાર આ મામલે આગળ આવે તેવું સુચન કર્યું છે.
વકીલોને લોન મળે તો તેમનું આર્થિક જીવન ધોરણ સુધરી શકે: એડવોકેટ દિલીપ પટેલ
આ અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર એડવોકેટ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ સમગ્ર દેશમાં વકીલોની હાલત ખૂબ કફોળી બની છે. આભાસી કોર્ટમાં ફક્ત ૫% વકીલો જ કામ કરી શકે છે અન્ય ૯૫% વકીલો હાલ બેકાર બન્યા છે જેના કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયના પ્રમુખ મનનકુમાર મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ સ્વરૂપે રજુઆત કરી છે કે જરૂરીયાતમંદ વકીલોને રૂપિયા ૩ લાખની સહાય કરવામાં આવે જેથી વકીલો તેમના પરિવારજનોનું ગુજરાન ચલાવી શકે. તેમણે બ્લેક લિસ્ટેડના ઓઠ હેઠળ જીવતા વકીલો વિશે જણાવતાં કહ્યું હતું કે વકીલાત એક મોભાદાર વ્યવસાય તરીકે પ્રખ્યાત છે પરંતુ આ જ વ્યવસાય કરતા વકીલોને કોઈ પણ બેંક કે સંસ્થા લોન પણ આપતી નથી, તેઓ એવી માનસિકતા ધરાવે છે કે આ વ્યક્તિ લોન નહીં ભરે, અમારા વિરુદ્ધ કોર્ટમાં કેસ કરશે જેના કારણે લોન આપવામાં આવતી નથી. આ સમયે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન વકીલોને વકીલાત સિવાય અન્ય કોઈ ધંધો કરવા દેવાની છૂટછાટ આપવામાં આવે પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ કોઈ પણ વકીલ વકીલાત સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો ધંધો કે વ્યવસાય કરી ન શકે જેથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ રજૂઆતને ફગાવી દેવામાં આવી છે. ઉપરાંત તેમણે ત્રણ દિવસ સુધી બંધ હાઇકોર્ટ વિશે કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટના કુલ ૮ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર કોર્ટ બંધ કરી દેવામાં આવી જે યોગ્ય નથી કેમકે જો કોઈ હોસ્પિટલના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો હોસ્પિટલ બંધ નથી થતી, કોઈ સફાઈ કામદાર પોઝિટિવ હોય તો અંત સફાઈ કામદારો કામ કરવાની ના નથી પાડતા તો ન્યાયમંદિર બંધ કરવાનો કોઈ અર્થ નથી.
લોન માટે જેની લીગલ એડવાઇઝર તરીકે સલાહ લેવામાં આવે છે તેની પ્રોફાઇલને જ નેગેટિવ ગણવામાં આવે છે : એલ વી લખતરિયા
આ અંગે સિનિયર એડવોકેટ એલ વી લખતરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી કોર્ટની કામગીરી સદંતર બંધ છે, ફક્ત અરજન્ટ કામગીરી જેમકે રિમાન્ડ અરજી, જામીન અરજી સહિતની ગણતરીની કામગીરી જ હાલ ચાલુ છે જેના કારણે વકીલો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે તેમાં પણ અરજન્ટ કામગીરી ફક્ત વર્ચ્યુલ કોર્ટના માધ્યમથી જ થાય છે જે કામ ગણતરીના વકીલોને જ મળે છે જેના કારણે વકીલોની પરિસ્થિતિ વધુ વિફરી છે. તેમણે કહ્યું હતું કે જે રીતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વકીલોને રૂ. ૩ લાખની સહાય આપવાની રજુઆત કરવામાં આવી છે તે ખૂબ સરાહનીય બાબત છે કે વકીલોને વગર વ્યાજની લાંબા ગાળાની લોન આપવામાં આવે તો તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે, આર્થિક ખેંચતાણ દૂર કરી શકે તેમજ વકીલો પણ ચિંતામુક્ત જીવન જીવી શકે. તેમણે અંતે વકીલોની નેગેટિવ પ્રોફાઈલ અંગે જણાવતાં કહ્યું હતું કે આ વ્યવસાય એકદમ મોભાદાર વ્યવસાય છે. કોઈ પણ બેંક કે સંસ્થા લોન આપવાની કામગીરી કરે તો તેમાં વકીલો પાસેથી લીગલ એડવાઇઝર તરીકે સલાહ લેતી હોય છે અને અમારી સલાહ બાદ જ તેમને લોન આપવામાં આવતી હોય છે પરંતુ જ્યારે વકીલોને લોન આપવાની વાત આવે તો તેમની પ્રોફાઈલને નેગેટિવ ગણી યેનકેન પ્રકારે લોન આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે જે થવું ન જોઈએ કેમકે વકીલો કોઈ ડિફોલ્ટર નથી તેઓ લોનની ભરપાઈ કરવાના જ હોય છે તેઓ સમાજનો એક અભિન્ન અંગ છે.
વકીલો માટે કોઈ સહાયની જાહેરાત થઈ નહિ, તે અત્યંત દુ:ખદ બાબત : એડવોકેટ કે બી સોરઠીયા
આ અંગે રેવન્યુના સિનિયર એડવોકેટ – નોટરી કે બી સોરઠીયાએ જણાવ્યું હતું કે હાલ ન્યાયમંદિર બંધ હોવાથી જુનિયર એડવોકેટ્સની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જુનિયર એડવોકેટ્સ તેમના પરિવારનું ગુજરાન ચલાવવા પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં કોઈ તેમના વ્હારે આવે તો ખૂબ જ સારી બાબત ગણાય. જે રીતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે કે વકીલોને સહાય આપવામાં આવે તે બાબત પણ સરાહનીય છે પરંતુ આ દરખાસ્ત ફક્ત રજુઆત બનીને રહી ન જાય તે પણ જોવું અતિ આવશ્યક છે. સુપ્રીમ આ રજૂઆતને ધ્યાને લઈને ટૂંક સમયમાં જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કરે જેથી જુનિયર વકીલો આર્થિક ખેંચતાણમાંથી બહાર આવે અને ચિંતામુક્ત જીવન જીવી શકે. તેમણે વધુમાં વલેક લિસ્ટેડના ઓઠ વિશે જણાવતાં કહ્યું હતું કે આ બાબત જ મને સમજાતી નથી કે શાં માટે વકીલોને લોન આપવામાં આવતી નથી કેમકે વકીલાત સમાજનો એક અભિન્ન અંગ છે જેના વિના ન્યાય શબ્દ અધૂરો છે. વકીલોને ડિફોલ્ટર માનવા ન જોઈએ અને અન્ય નાગરિકની જેમ વકીલોની પણ એક સામાન્ય માનવી ગણીને લોન સહિતની સહાય આપવી જોઈએ. કેમકે હાલ તમામ વર્ગ માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે પરંતુ વકીલો માટે હાલ સુધી કોઈ જ પ્રકારની સહાયની જાહેરાત થઈ નથી તે દુ:ખદ બાબત છે.
જે હાથ લંબાવી ન શકે તે રાશન કીટ માટે કતાર લગાવતા હોય તો ખરા અર્થમાં તેમની સ્થિતિ કફોળી : નોટરી સંજય જોશી
મામલામાં નોટરી ફેડરેશનના ક્ધવીનર સંજય જોશીએ કહ્યું હતું કે એડવોકેટ એટલે ન્યાય અપાવવાનો એક માત્ર દ્વાર પરંતુ કમનસીબે એડવોકેટની તુલના હાલ ક્યાંક નિમ્ન સ્તરે કરવામાં આવી રહી છે. હાલ તમામ વકીલોને આર્થિક સહાયની તાતી જરૂરિયાત છે ત્યારે બાર કાઉન્સિલ દ્વારા અગાઉ જરૂરીયાતમંદ વકીલોને રૂપિયા ૫ હજારની આર્થિક સહાય આપવામાં આવી હતી પરંતુ આ મોંઘવારીના સમયમાં રૂ. ૫ હજારમાં પરિવારનું ગુજરાન કેટલો સમય ચલાવી શકાય તે સૌ કોઈ જાણે છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે માંગણી મુકવામાં આવી છે તે ખૂબ જ વ્યાજબી છે અને વકીલોને આ પ્રકારની આર્થિક સહાય મળવી જ જોઈએ તેવું મારું માનવું છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે રાજકોટ બાર કાઉન્સિલ દ્વારા વકીલો માટે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો આશરે ૮૦૦ વકીલોએ લાભ લીધો હતો જેના પરથી અંદાજ મેળવી શકાય કે હાલ એડવોકેટની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તેમણે કહ્યું હતું કે આ વ્યવસાય એથીક્સ ધરાવતો વ્યવસાય છે, વકીલો ક્યાંય હાથ લાંબા કરી શકે નહીં પરંતુ જો તેઓ રાશન કીટ લેવાં કતારો લગાવતા હોય તો તેમની પરિસ્થિતિ કફોળી છે તેવું સ્પષ્ટ કહી શકાય તો તેમને સહાય મળવી જોઈએ અને તેમાં પણ ખાસ નોટરી જો ફિઝિકલી કોર્ટમાં હાજર હોય તો જ તેને કામ મળતું હોય છે પરંતુ કોર્ટ બંધ હોવાથી કોઈ પણ જાતના કામ વિના નોટરી બેકાર બન્યા છે.
અમારી પરિસ્થિતિ જાણે ’ન કહેવાય ન સહેવાય’ જેવી : એડવોકેટ રાજેશ ચાવડા
આ અંગે જુનિયર એડવોકેટ રાજેશ ચાવડાએ તેમની વ્યથા અંગે કહ્યું હતું કે હું છેલ્લા ઘણા સમયથી કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ મેં ક્યારેય જોઈ નથી. આર્થિક રીતે અનેકવિધ હાલાકીનો સામનો કરી રહ્યો છું. કોઈએ પણ અમારી ચિંતા કરી નથી ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમમાં પીઆઈએલ દાખલ કરીને આર્થિક સહાય આપવા રજુઆત કરવામાં આવી છે જેના પરથી અમને લોન મળે તો અમારું જીવન ધોરણ સુધરી શકે પરંતુ હાલ તો અમારી પરિસ્થિતિ ’ન કહેવાય ન સહેવાય’ જેવી છે.
લોન માટે જેની સલાહ લેવામાં આવે તેને જ લોન નથી આપવામાં આવતી : એડવોકેટ બીનીતા ખાંટ
આ અંગે જુનિયર એડવોકેટ બીનીતા ખાંટએ જણાવતાં કહ્યું હતું કે કોર્ટ બંધ હોવાથી કામ બંધ છે અને કામ બંધ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થયું છે. હાલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે રીતે રજુઆત કરવામાં આવી છે તે ખૂબ જ સાચી છે કારણ કે હાલ તમામ જુનીયર એડવોકેટ્સની પરિસ્થિતિ ખૂબ જ કફોળી છે અને આર્થિક સહાયની તાતી જરૂરિયાત છે. તેમણે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે કોઈ પણ બેંક કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને લોન આપતી હોય ત્યારે તે અંગે લીગલ એડવાઇઝર તરીકે વકીલો પાસેથી સલાહ લેતી હોય છે. જો વકીલ હકરાત્મક જવાબ આપે તો જ લોન આપવામાં આવતી હોય છે. જો લોન વકીલોની સલાહથી જ આપવામાં આવતી હોય તો શા માટે વકીલોને જ લોન નથી આપવામાં આવતી તે એક મોટો સવાલ છે. વકીલોની પ્રોફાઈલને યેનકેન પ્રકારે નેગેટિવ બતાવી લોન આપવાની ના પાડી દેવામાં આવે છે તે ખૂબ જ દુ:ખદ બાબત છે. તેમણે અંતે કહ્યું હતું કે હાલ અમારે આર્થીક સહાયની ખૂબ જ જરૂર છે.
વ્યાજે નાણાં લઈને પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર : એડવોકેટ મહેન્દ્ર ભાલું
આ અંગે જુનિયર એડવોકેટ મહેન્દ્ર ભાલુંએ જણાવ્યું હતું કે હું શારીરિક રીતે અશક્ત છું પરંતુ વકીલાતનું નાનું મોટું કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લોક ડાઉન આવ્યું અને અમારું સુખ ચેન લઈને ચાલ્યું ગયું તેમ પણ કહી શકાય કેમકે હાલ કોઈ પણ પ્રકારના કામ થતા નથી. હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વ્યાજ પટ પૈસા લઈને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે જેથી કોઈ આર્થીક સહાય મળે તો અમે પણ શાંતિપૂર્વક જીવન ગાળી શકીએ અને આર્થિક સંકળામણના ભરડામાંથી બહાર આવી શકીએ. તેમણે વધુમાં બ્લેક લિસ્ટેડના ઓઠ વિશે જણાવતા કહ્યું હતું કે હાલ કોઈ પણ જગ્યાએ અમે જઈએ તો લોન આપવામાં આવતી નથી તે ખૂબ જ નડતરરૂપ છે જેને સુધારવાની તાતી જરૂરિયાત છે.
વકીલ હોવું એ કોઈ ગુનો નથી એડવોકેટ પિયુષ સખીયા
આ અંગે જુનિયર એડવોકેટ પિયુષ સખીયાએ કહ્યું હતું કે હાલ મારા જેવા તમામ જુનીયર એડવોકેટની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમે રીક્ષા ચલાવવી, શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છીએ ત્યારે જો સહાય આપવામાં આવે તો ફરીવાર અમે ચિંતામુક્ત બની વકીલાત કરી શકીશું. તેમણે કહ્યું હતું કે આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી જો અમે કોઈ લોન લેવા માટે જઈએ તો વકીલ હોવાથી અમને લોન નહીં મળે તેવો જવાબ આપવામાં આવે છે ત્યારે થોડી વાર એવું ચોક્કસ લાગી આવે કે વકીલાતની સામે કોઈ અન્ય વ્યવસાય પસંદ કર્યો હોત તો હાલ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની ફરજ ના પડી હોત.