શાસકોએ આ રાહતમાં પ્રજાને અંધારામાં રાખી હોવાનો મનપાના પૂર્વ નગરસેવકનો આક્ષેપ

જૂનાગઢ મનપા શાસકોએ હાઉસ ટેક્સમાં ૪૫ ટકાનો વધારો કરી દીધા બાદ હવે જ્યારે ૨૨ ટકાની રાહત આપવામાં આવી છે ત્યારે આ બાબતથી જૂનાગઢની જનતાને અધિકારીઓ અને પદાધિકારીઓ એ અંધારામાં રખાયું હોવાનો મનપાના પૂર્વ નગરસેવક અને પૂર્વ વોટર વર્કસ ચેરમેને આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

જૂનાગઢ મનપાના પૂર્વ નગરસેવક અને વોટરપાર્ક સમિતિના પૂર્વ ચેરમેન મુકેશ ધોળકિયાએ યાદીમાં જણાવ્યું છે કે જૂનાગઢ મનપાના શાસકોએ જૂનાગઢની જનતા ઉપર ૪૫ ટકાનો હાઉસ ટેકસ વધારો ઠોકી દીધો છે અને સરકાર દ્વારા કોરોનાની મહામારી ને લઈને હાઉસ ટેક્સમાં રેસિડન્સીમાં ૨૦થી ૨૨ ટકા રાહત આપવામાં આવી છે જ્યારે કોમર્શિયલ સેક્ટરમાં ૨૦થી ૩૦ ટકા રાહત આપવામાં આવી છે પરંતુ જૂનાગઢના શાસકો અને અધિકારીઓ દ્વારા આ યોજનાનો લાભ લોકોને ન મળે તે માટે સૂચક મૌન ધારણ કરી લીધું છે મુકેશ ધોળકિયા આ યાદીમાં જણાવ્યું છે કે જૂનાગઢ મનપાના શાસકો અને અધિકારીઓ દ્વારા જાણી જોઈને કોઈ જ જાહેરાત કે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો નથી અને લોકો વંચિત રહી જાય તે માટે જૂનાગઢની જનતાને અંધારામાં રખાયું છે.

જુનાગઢના શહેરના અમુક લોકોને તો હજી હાઉસ ટેકસના બિલ પણ આપવામાં આવ્યા નથી ત્યારે આ સ્કીમનો લાભ લેવા માટે હવે માત્ર બે જ દિવસો ૩૦ અને ૩૧ જુલાઈ બાકી રહ્યા છે ત્યારબાદ હાઉસ ટેક્સ નહીં ભરવામાં આવે તો ૧૮ ટકાનું વ્યાજ પણ વસુલ કરવામાં આવશે,

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ધ્યાને લઇ તથા યોગ્ય રીતે પ્રચાર પ્રસાર ન થયો હોવાથી લોકો મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ૨૨ અને ૩૨ ટકાની સ્કીમનો લાભ ઉઠાવી શક્યા નથી ત્યારે હવે માત્ર બે દિવસ જ રહેવા પામ્યા છે ત્યારે આ સ્કીમની મુદતનો એક માસ માટે વધારો કરવામાં આવે તેવી એક પત્ર પાઠવી માંગ કરી છે.

જૂનાગઢ મનપાની એક  યાદી મુજબ જૂનાગઢ મહાનગરના રહેવાસીઓને મિલકત વેરામાં ૨૦ ટકા અને જો ઓનલાઇન ભરે તો બે ટકા વધુ મળી ૨૨ % વળતરનો લાભ અને વાણિજ્ય મિલકતમાં ૩૦ ટકા વળતર અને બે ટકા ઓનલાઇન ભરે તો મળી કુલ ૩૨ ટકાનો લાભ મેળવી શકે તે માટે આગામી તારીખ ૩૦ અને ૩૧ એમ બે દિવસ વેરો ભરવા માટેનો સમય સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે.

આ ઉપરાંત મિલકતમાં ૩૧/૭/૨૦ સુધી અને ઓનલાઈન ભરાશે તો બે ટકા મળી કુલ ૨૨ ટકા વળતર આપવામાં આવશે તેમજ વાણિજ્ય મિલકતમાં ૩૧/૮/૨૦ સુધી ૩૦ ટકા વળતર અને ઓન લાઇન ભરશે તો વધુ ૨ ટકા મળી કૂલ ૩૨ ટકા વળતર આપવામાં આવશે, જો ૩૧/૭/૨૦ સુધીમાં મકાન વેરો ભરવામાં નહીં આવે તો તા. ૧/૮/૨૦ થી ૩૧/૮/૨૦ સુધી ૧૦ ટકા વળતર અને બે ટકા ઓનલાઇન ટેક્સ ભરપાઇ કરવામાં આવશે તો કુલ ૧૨ ટકાનો લાભ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.