વીડિયો કોન્ફરન્સ, વાઈ-ફાઈ ઝોન, બહેનો માટે અલગ વ્યવસ્થા સહિતની અદ્યતન સુવિધા પર બિલ્ડીંગ બનાવવા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત
રાજકોટ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હાલમાં ખુબ જ દયનીય હાલતમાં હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્ય ડો.ધરમ કાંબલીયાએ જિલ્લા શિક્ષણાધિકારીનું ભવન નવું બનાવવા માંગ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં અદ્યતન તમામ સુવિધા હોય તેવું નવું બિલ્ડીંગ ઉભું કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
સિન્ડીકેટ સભ્ય ડો.ધરમ કાંબલીયાનાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં નવી કોલેજો તેમજ નવી સ્કુલોનું નવનિર્માણ ખુબ જ સારી રીતે થાય છે. રાજકોટમાં અલગ-અલગ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ડેવલોપમેન્ટ માટે આવી રહી છે તેમજ એઈમ્સ, એરપોર્ટ, નવું બસપોર્ટ વગેરે પણ સ્થપાવાના છે ત્યારે રાજકોટ જિલ્લામાં ઘણી બધી શાળાઓ છે તેમનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કરી રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જ દયનીય હાલતમાં છે. કચેરીમાં એક પણ પ્રકારની સુવિધા નથી અને નડીયાવાળુ જુનું મકાન છે. ભવિષ્યમાં આ બિલ્ડીંગમાં કોઈ અગત્યનાં ડોકયુમેન્ટ હોય અને કુદરતી કે માનવસર્જીત આફત આવે તો તે પણ બચે તેવી શકયતા નથી. ઉપરાંત કર્મચારીઓ તેમજ બહારથી આવેલા શિક્ષકો અને સંચાલકોને જાનહાની થઈ શકે તેમ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટની સારી જગ્યામાં સંપૂર્ણ નવું ભવન બને તેમજ તાત્કાલિક ધોરણે સુવિધાવાળી ઓફિસ બનાવવામાં આવે તેથી તેમાં કામ કરતા કર્મચારીઓ અને શિક્ષકો તેમજ સંચાલકો ખુબ જ સારી કામગીરી કરી શકે તો વહેલી તકે વિડીયો કોન્ફરન્સ, વાઈ-ફાઈ ઝોન, બહેનો માટે અલગ વ્યવસ્થા વગેરે જેવા મ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અદ્યતન સુવિધાસભર બને તેવી મારી માંગ છે.