લોધિકાના રાતૈયા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ચલાવતા પાંચ ઝડપાયા
૧૯૦ લિટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો, આથો, ગેસના બાટલા અને ચુલા મળી રૂ.૧.૧૦ લાખનો મુદામાલ કબ્જે
કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોક ડાઉન દરમિયાન વિદેશી દારૂની સર્જાયેલી અછતના કારણે દેશી દારૂની એકાએક માગ વધતા લોધિકા તાલુકાના રાતૈયા ગામે દેશી દારૂની મીની ફેકટરી ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી રાજકોટના પાંચ શખ્સોને ઝડપી રૂા.૧.૧૦ લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના પરેશ ઉર્ફે પરીયો કિશોર માંડલીયા અને ધવલ ઉર્ફે વાણીયો હસમુખ દોમડીયા નામના શખ્સોએ લોક ડાઉનના કારણે વિદેશી દારૂ મળવો મુશ્કેલ બનતા વિદેશી દારૂની અછતના દરમિયાન પોતાની રાતૈયા ગામની વાડીમાં દેશી દારૂ બનાવવા શરૂ કર્યાની અને બંને શખ્સોએ દેશી દારૂની ભઠ્ઠીમાં કામ કરી શકે તેવા માણસો કામે રાખ્યાની મળેલી બાતમીના આધારે એલસીબી પી.આઇ. એમ.એન.રાણા, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણ ત્રિવેદી, મહેલુભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા અને રસીકભાઇ જમોડ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન રાતૈયા ગામે એક સાથે છ જેટલી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાથી રાજકોટના આજી ડેમ માનસરોવર સોસાયટીમાં રહેતા દિપક બુધા નંદાસીયા, લીંબડા ચોક શાસ્ત્રી મેદાન પાસે અશોક રમેશ દેવીપૂજક, જયેશ ચંપક ચારોલીયા, પરેશ ઉર્ફે પરીયો કિશોર માંડલીયા અને ધવલ ઉર્ફે વાણીયો હસમુખ દોમડીયા નામના શખ્સોની ધરપકડ કરી છે.રૂા.૧.૧૦ લાખની કિંમતના છ હજાર લિટર દેશી દારૂ બનાવવાનો આથો, ૨૦૦ લિટર તૈયાર દારૂ, ૩૨ ગોળના ડબ્બા, ૧૫ ગેસના બાટલ, ગેસના છ ચુલા, ભઠ્ઠીના સાધનો, મોટર સાઇકલ અને કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.