ગૌહત્યા બંધ કરાય એ જ સુખી ભારત માટેનો શોર્ટ કટ છે: દ્રુમિલકુમારજી મહારાજ
આપ આપના પરિવારને, આપના દેશને સુખી જોવા માગતા હો તો તેનો શોર્ટ કટ છે ભારત દેશમાં ગૌહત્યા બંધ થાય અને આ સરળ તથા ઝડપી ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે. ગૌહત્યા વિરોધી કાયદો અમલમાં આવે એમ પ્રસિદ્ધ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી દ્રુમિલકુમારજી મહોદયએ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 545મા પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગે આયોજિત મહાસભામાં જણાવ્યું હતું. આ મહાસભા પૂર્વે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
તેમણે ગાય રાષ્ટ્રીય પશુ જાહેર થાય તેવો ઠરાવ પસાર કરતાં જણાવ્યું હતું કે ભારત શ્રી રામની ભૂમિ, શ્રી કૃષ્ણની ભૂમિ, અહિંસાની ભૂમિ છે ત્યારે ભારતમાં ગૌહત્યા કઈ રીતે સંભવી શકે? ગાય પર હાથ ફેરવો તો તેના વાઈબ્રેશનની તાકાત તમારી માનસિક તંગદિલી, ડિપ્રેશન દૂર કરે છે. ગાયના દૂધમાં, મૂત્રમાં, ગોબરમાં હકારાત્મક શક્તિ છે.
મહારાજએ આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોને અપીલ કરતાં જણાવ્યું હતું કે તમામ પક્ષો પોતાની રાજકીય નીતિ બાજુ પર રાખી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનો કાયદો ભારતમાં લાવે, જેથી તત્કાળ ગૌહત્યા બંધ થઈ શકશે લેવું. ભારતને સુખી કરવાનો આ જ શોર્ટકટ છે. મહારાજે ગૌભક્તોને પણ અપીલ કરી હતી કે તેઓ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે પોસ્ટકાર્ડ, ઈ-મેઇલ, ટ્વિટર, વ્હોટ્સઍપ સહિત કોઈ પણ માધ્યમ દ્વારા ભારતના લોકપ્રિય પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને સંદેશો પાઠવે.
પોતાના પ્રવચનમાં ગોસ્વામી દ્રુમિલકુમારજી મહારાજ એ મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાકટ્ય મહોત્સવમાં પ્રભુને પ્રાપ્ત કરવા માટે ગુરુ મહાત્મય અને પ્રેમના સ્વરૂપ પર પ્રકાશ પાથરી પોતાની રસપ્રદ શૈલી દ્વારા શ્રોતાઓને માર્ગદર્શન આપી ભાવવિભોર કર્યા હતા.
આ પ્રસંગે મુંબઈના અગ્રણ નાગરિકો તેમ જ મીરા રોડ-ભાઈંદરના પ્રસિદ્ધ રાજકારણી ગીતાબહેન જૈન, હેમાબહેન બિરાણી હાજર હતાં. આરંભમાં નયનાબહેન વસાણીએ પોતાના પ્રવચનમાં આયોજનની ભૂમિકા પ્રસ્તુત કરી હતી.