હાલ લગ્નની સીઝન ચાલી રહી ત્યારે સાથે જ ગુજરાત વિધાનસભાની ચુંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઘણા બધા સ્થળોએ લગ્નની સીઝનના લીધે મતદાન ઓછુ થયું છે તો ઘણી જગ્યાએ લોકો મતદાનને પોતાને પ્રાથમિક ફરજ સમજીને મતદાન કરવા પહોચ્યા હતા. આવતી કાલે મતગણતરી છે. કાલે નક્કી થઈ જશે કે ગુજરાતમાં સતાની સીટ પર કઈ પાર્ટી બેસશે. બજારમાં હાલ ફટાકડાની માગ વધી રહી છે.

હાલ ફટાકડા બજારમાં ફટાકડાની માંગ વધી રહી છે પરંતુ આ માંગ લગ્નની સીઝનને લઈને નહિ પરંતુ આવતી કાલે ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પરિણામ છે. આવતી કાલે ખબર પડી જશે કે કઈ પાર્ટીના બોમ્બ ફૂટશે અને કઈ પાર્ટીનું સુરસુરીયું થશે. ચૂંટણી પરિણામ પહેલાં જ બજારમાં વધી ફટાકડાની માંગ, ફટાકડાની ઈન્કવાયરીમાં 30%નો વધારો થયો છે. તમામ પક્ષો દ્વારા જીતના જશ્નની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા કેસરી સ્મોકર ફટાકડાની ડીમાન્ડ વધુ કરવામાં આવી રહી છે.

ભાજપ જીતશે તો ગુજરાતના મુખ્યમંત્રી પદે ફરી એકવાર ભૂપેન્દ્રભાઇ પટેલ સત્તારૂઢ થશે. કોંગ્રેસે સીએમનો ચહેરો જાહેર કર્યા નથી. જો કોંગ્રેસને બહુમતી મળશે તો ધારાસભ્યોની બેઠકમાં દળના નેતાને ચૂંટી કાઢવામાં આવશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાનભાઇ ગઢવી ગુજરાતના મુખ્યપ્રધાન બનશે. પરિણામ જાહેર થતાની સાથે જ આવતીકાલે સાંજે 14મી વિધાનસભાનું વિસર્જન કરવા માટેની ભલામણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે.

“કમલમ્” જીતના જશ્નની તૈયારીઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાનું તમામ એક્ઝિટ અને ઓપિનિયન પોલ કહી રહ્યાં છે. રાજ્યમાં સતત સાતમીવાર રેકોર્ડ બ્રેક લીડ સાથે કમળ ખીલી રહ્યું હોય તેવા સ્પષ્ટ આસાર મળી રહ્યાં છે. પ્રદેશ કાર્યાલય “કમલમ્” ખાતે ભાજપની જીતની ઉજવણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેટલીક તૈયારીઓ તો પૂર્ણ થઇ જવા પામી છે. મોટા પાયે મીઠાઇનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ફૂલહાર પણ બૂક કરાવી દેવામાં આવ્યા છે. કાર્યાલયને શણગારવામાં આવી રહ્યું છે. ડી.જે. અને રાસ મંડળીઓને પણ રેડી રાખવામાં આવી છે. બીજી તરફ પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની જાહેરસભાનું પણ આયોજન ગોઠવાઇ રહ્યું છે. વિજેતા બનનારા ભાજપના ઉમેદવારોને આવતીકાલે ગાંધીનગર પહોંચી જવા પણ આડકતરી તાકીદ કરી દેવામાં આવી છે. ભાજપ બધી રિતે તૈયાર છે. માત્ર પરિણામની રાહ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.