નાયબ કલેકટરને રોષપૂર્ણ આવેદન: ચાર દિવસમાં ઝીંગા ફાર્મ બંધ નહીં થાય તો જનતા રેડ કરી તોડી પડાશે
ઉના તાલુકાનાં દરિયાકાંઠા નજીકનાં કોલ ગામની સીમને અડીને આવેલી ચીખલી ગામની ખાનગી માલિકીની જમીનોમાં ચાલતા ગેરકાયદેસર ઝીંગા ઉછેર કેન્દ્રોને સત્વરે બંધ કરાવવા ગામના ખેડુતો, ગ્રામજનોએ રોષપૂર્વક આવેદનપત્ર નાયબ કલેકટરને પાઠવ્યું છે.
કોલનાં ખેડુતોની કિંમતી ખેતીની જમીનોને ગંભીર નુકસાન કરતા આ ઝીંગા ઉછેર કેન્દ્રો બંધ કરાવવા માટે તા.૧૫/૫/૨૦૧૮ના રોજ મામલતદાર ઉનાએ હુકમ કર્યો હોવા છતાં કેટલાક રાજકીય ઓથ ધરાવતા તત્વો દ્વારા ચાલતા આ ઝીંગા ફાર્મો આજની તારીખે પણ ધમધમી રહ્યા છે ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ મત્સ્યોધોગ ખાતાના અધિકારીઓ જયારે જયારે ઝીંગા ઉછેર કેન્દ્રો બંધ કરાવવા આવે ત્યારે જુનાગઢ જીલ્લાના એક ઉચ્ચ રાજકીય અગ્રણી દ્વારા ટેલીફોનીક ભલામણ કરીને આ ગેરપ્રવૃતિ રોકવામાં ન આવે તેવી અધિકારીઓને સુચના અપાઈ જાય છે.
ત્યારે વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયેલો હોય કોલ ગામનાં ખેડુતોએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દિવસ ચારમાં આ ગેરકાયદેસર ફાર્મ બંધ નહીં કરાવવામાં આવે તો ગ્રામજનોને સામુહિક રીતે જનતા રેડ કરીને આ ઝીંગા ફાર્મના પાળા-તળાવ તોડી નાખવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. કોલ-ચીખલી ગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે તે પહેલા આ બાબતે તંત્રએ પગલા લેવા જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.