મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે કરેલી જાહેરાત મુજબ રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ અને બાઈ સાહેબા ગર્લ્સ સ્કૂલનો વિકાસ પબ્લીક, પ્રાઈવેટ, પાર્ટનરશીપ દ્વારા એટલે કે પીપીપીના ધોરણે કરવામાં આવનાર છે. રાજ્ય સરકારનો આ નિર્ણય આવકારદાયક છે અને હવે આ બન્ને સ્કૂલો પીપીપીના ધોરણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે સંભાળે તેવી નિદત બારોટે કુલપતિ ડો.નિતીન પેથાણીને રજૂઆત કરી છે.
યુનિવર્સિટી બન્ને સ્કૂલો સંભાળી લે તો સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવાનો મોકો મળશે જેનો લાભ ભવિષ્યમાં નેકના એક્રેડીટેશનમાં પણ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદત બારોટે ‘અબકત’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવી ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થાઓ ટકી રહે અને વિકાસ પામે તે ખુબજ આવશ્યક છે. રાજ્ય સરકારની આ પહેલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ સ્વીકારવી જોઈએ. મહારાજા સૈયાજી રાવ યુનિવર્સિટી દ્વારા એક પેરીમેન્ટલ સ્કૂલ ચલાવવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વિદ્યાર્થી માટે શહેરની મધ્યમાં સેન્ટર શરૂ કરી શકાશે. આ યુનિવર્સિટીને સામાજીક ઉત્તર દાયિત્વ નિભાવવાનો મોકો મળશે જેનો લાભ ભવિષ્યમાં નેકના એક્રીડીટેશનમાં પણ થશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અગાઉની સેનેટ મીટીંગમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય અને યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.પ્રિયવદન કોરાટે દરખાસ્ત કરી હતી કે, યુનિવર્સિટીમાં તાલીમી વિદ્યાર્થીની કોલેજ ઉપરાંત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષણ વ્યવસ્થા માટે જે પ્રયોગો કરાય છે તે માટે એમએસ યુનિવર્સિટીની જેમ પ્રાયોગીક શાળા હોવી જોઈએ. તો રાજ્ય સરકારે દરખાસ્ત કરેલી બન્ને શાળા સંભાળવા અને નિભાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તૈયારી બતાવે તેવી મારી માંગ છે.