રસ્તા, નાલા, પાણી, ડામર રોડ સહિતનાં કામો માટે આક્રમક રજુઆત બાદ સરકાર સફાળી જાગી
ઉપલેટા-ધોરાજી વિસ્તારનાં પાણીદાર ધારાસભ્યનું પાણીદાર જેવું કામ કર્યું છે. રોડ-રસ્તા, પાણી, નદી-નાલા સહિત પોતાના મત વિસ્તારનાં પ્રશ્ર્નોની રજુઆતને કારણે રાજય સરકાર સફાળી જાગી ગઈ છે. તાત્કાલિક ધોરણે ધોરાજી-ઉપલેટા વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૦ કરોડ રૂપિયા રોડ-રસ્તા અને પાણી માટે ફાળવણી કરી કામો ચાલુ કરી દેવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, મારા વિધાનસભા મત વિસ્તારનાં પ્રયાસ દરમ્યાન તમામ ગામોનાં પ્રશ્ર્નો સાંભળી કયા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, શિક્ષણ સહિતનાં પ્રશ્ર્નો છે તે તેમાં અભ્યાસ કરી જે-તે વિભાગનાં પ્રશ્ર્નોને વિભાગનાં મંત્રીઓ, સચિવો પાસે રૂબરૂ મળી આધાર પુરાવા સહિતની ફાઈલો લેખીતમાં આપી. આ કામો તાત્કાલિક ધોરણે નિવારણ આવે તેવી રજુઆત કરું છું. સતત પ્રવાસ દરમ્યાન જયારે પણ વિધાનસભા કે જે-તે વિભાગનાં મંત્રીઓ, સચિવો સાથે અગાઉ આવેલા પ્રશ્ર્નોની ફરી યાદી આપું છું. મારા મત વિસ્તારની જનતા માટે સતત દોડું છે કયાંક રજુઆત કરું છું, આંદોલનો કરું છું પણ પ્રશ્ર્નો ઉકેલીને આવું છું ત્યારે અગાઉ મેં સરકારમાં મારા મત વિસ્તારનાં આવતા નાના-મોટા રોડ, પાણીની જુથ યોજના સહિત ૧૦૦ કરોડનાં કામો સરકારમાં મંજુર કરાવેલ છે.
તેમાં મોટી પરબડીથી ફરેણી રોડ, માંજીરા ભાંખરોઈથી ગઢાળા કેરાળા રોડ, વરજાંગ જાળીયા-નાગવદર રોડ, વાડલા સર્વત્રા રોડ, મેરવદર પ્રાસંલા વડેખણ રોડ, કલારીયા એપ્રોડ રોડ, નાની મારડથી હાડફોડી રોડ, ભાડેર વેલારીયા ચિચોડ રોડ સહિતનાં રોડ ઉપર મેટલીંગ, નદી, નાળા, ડામર રોડથી નવા બનાવવામાં આવશે. જયારે વેણુડેમ-૨ નીચે આવતી જુથ પાઈપલાઈન યોજના સાવ ખંઢેર હાલતમાં હતી. પાણી પુરતા પ્રમાણમાં અને ચોખ્ખુ પાણી મળતું ન હોતું. આ જુથ યોજનામાં તાલુકાનાં મોટાભાગના ગામોનો સમાવેશ થતો હતો. પ્રજાની માંગણીને ધ્યાનમાં રાખી પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરીને ૫૮ કરોડ રૂપિયા મંજુર કરાવી આ જુથ યોજનાથી હવે પુરતા પ્રમાણમાં પાણી અને ફિલ્ટર થયેલ પાણી પ્રજાને મળશે.