ઘણા સમયથી શાંત શહેરમાં ગેંગ વોર સક્રિય
એક સપ્તાહમાં મકાનમાં તોડફોડ, ઓફીસ સળગાવવા, કાર ચડાવી દેવાનો પ્રયાસ અને હત્યાના બનાવથી શહેરીજનોમાં કાયદો અને વ્યવસ્થા સામે ઉઠતા સવાલો
રંગીલુ રાજકોટ શહેર છેલ્લા પાંચ વર્ષથી શાંત શહેરની ફરી કોઇની નજર લાગી હોય તેમ ગેંગવોર સક્રિય થઇ છે પોલીસ દ્વારા કડક હાથે કામ નહીં લેવામાં આવે તો આવનાર દિવસોમાં મોટી ઘટના બને તો નવાય નહીં.
સૌરાષ્ટ્ર પાટનગર ગણાતું રાજકોટ શહેરને ઘણા સમય બાદ ગુનાખોરીનો ગ્રાફ ઉંચકાય રહ્યો છે.
કોરોનાની મહામારીને ડામવા સરકાર દ્વારા ત્રણ ત્રણ લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટમાં પ્રથમ વખત દુધ સાગર રોડ પરની નામચીન શખ્સની ટોળકી સામે ગુજકોક કલમ હેઠળ ગુનો નોંધી ધાક બેસાડી છે ત્યારે રોણકી અને પોપટપરા વિસ્તારમાં ફરી ગેંગવોર સક્રિય બની છે. નામચીન મહંમદ ગોલીના ભાણેજ કાસમ ઉર્ફે કડી અને કૃખ્યાત ભરત કુંગશીયા વચ્ચે ચાલતી કોલ્ડ વોર પર સપાટી પર આવી છે.
કાસમ ઉર્ફે કડી અને તેના સાગ્રીતો દ્વારા ભરત કુંગશીયાના ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદની શાહી સુકાય નથી ત્યાં ભરત કુંગશીયા અને તેના બે સાગ્રીતો દ્વારા રેલનગરમાં ગરાસીયા યુવક અને તેના સાળા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી કારમાં તોડ ફોડ કરવામાં આવી છે.
ભરત કુંગશીયાની કેબલ નેટવર્ક નામની ઓફીસમાં મોડી રાત્રે પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યોનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મકાનમાં તોડફોડ યુવાન ઉપર કાર ચડાવવાનો પ્રયાસ અને ઓફીસ સળગાવવાની ઘટનાએ શાંત શહેર સામે પ્રશ્ર્નો ઉઠી રહ્યા હતા. ત્યારે થોરાળા વિસ્તારમા બ્લેક મેઇલીંગ કરનાર હિસ્ટ્રીશીટની બુટલેગરોએ ઢીમ ઢાળી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે.
રાજકોટ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા કડક હાથે કામ લેવા પડશે અને ગુજકોક જેવી કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.