પગલાં નહીં લેવાય તો આંદોલન: મહિલા અગ્રણીની શિક્ષણાધિકારીને રજૂઆત
ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા અભ્યાસકાર્ય બંધ હોવા છતાં ફી ના ઉઘરાણા સામે ચળવળ શરૃ કરનાર જામનગરના મહિલા અગ્રણી શેતલબેન શેઠે જિલ્લા શિક્ષણાધિકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી નિયમોનો ભંગ કરી મનમાની કરતી ખાનગી સ્કૂલો સામે ખાતાકીય કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
સૌ એ બાબતથી વાકેફ છે કે ૮૦ ટકાથી વધારે સ્કૂલો નિયમો મુજબ ચાલતી નથી. અનેક સ્કૂલો પાસે રમતગમતના મેદાનો નથી. ખોટી રીતે જુદા જુદા રમતના મેદાનો બતાવી મંજુરી લીધી છે કે બાજુ બાજુમાં બે સ્કૂલો કે તેનાથી વધારે સ્કૂલોને મંજુરી કેવી રીતે મળી ગઈ? કેવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરી બપોરની મંજુરી મેળવેલ સ્કૂલો સવારે સ્કૂલો ચાલી રહી છે. ક્યાંક સ્વચ્છતાનો અભાવ તો ક્યાંક ફાયરની સેફ્ટીનો અભાવ, તો ક્યાંક કાગળો ઉપર શિક્ષકોનો ધોરણ મુજબ પગાર માત્ર દેખાડવા પૂરતો, ક્યાંક ગેરકાયદેસર બાંધકામ તો ક્યાંક કોર્પોરેશનની મંજુરીનો અભાવ. આ તમામ બાબતો તમામ લોકો જાણે છે. આ બધી બાબતોનો ખ્યાલ હોવા છતાં જિલ્લા શિક્ષણાધિકારી શા માટે ચલાવી લેવામાં આવે છે? સરકારે સરકારના નિયમો મુજબ સ્કૂલો ચાલે તેનું ધ્યાન રાખવાની ફરજ સોંપી છે. ત્યારે આ ગેરકાયદેસર રીતે સરકારી ધારાધોરણોનો ઉલાળિયો કરતી જેટલી પણ સ્કુલો છે તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માંગણી છે. આ સ્કૂલોની સામે જો કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે અને જરૃર પડ્યે ફરજમાં બેદરકારી દાખવવા બદલ શિક્ષણાધિકારી સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડશે. જરૃર પડ્યે કોર્ટનો સહારો પણ લેવો પડશે. ઘણી બધી સ્કૂલો જે કોઈને કોઈ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણાધિકારી કચેરીની મીઠી નજરથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. છેલ્લા ઘણા સમયથી અસંખ્ય અરજીઓ આવી સ્કૂલો વિરૃદ્ધ થઈ છે. નિયમ વિરૃદ્ધ ચાલતી સ્કૂલોની માહિતી પણ આપવાની તૈયારી છે જેથી જે જે સ્કૂલોમાં નિયમોનો ભંગ થાય છે તેની વિરૃદ્ધ કડક કાર્યવાહી કરી શકાશે. ગેરકાયદે ચાલતી સ્કૂલોને કાયદા અને નિયમો મુજબનું ભાન કરાવી આવી મનમાની કરતી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવા તેમણે રજૂઆત કરી છે.
આર.એલ. છત્રોલા શિશુમંદિરે તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરી
શ્રી ઉમિયાજી સોશિયલ ગ્રુપ-જામનગર દ્વારા સંચાલિત આર.એલ. છત્રોલા શિશુમંદિર છેલ્લા ર૦ વર્ષથી ધોર. ૧ થી ૮ તેમજ બાલમંદિરના વર્ગો ચલાવે છે. જેમાં અંદાજિત ૪પ૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલ કોરોનાના પગલે તમામ વિદ્યાર્થીઓની જૂન-ર૦ર૦ (નવા સત્ર) થી સ્કૂલ ખુલે ત્યાં સુધીની તમામ ફી માફ કરી છે. ટ્રસ્ટના પ્રમુખ અરૃણભાઈ અમૃતિયા, ઉપપ્રમુખ દેવશીભાઈ મારવણિયા, મંત્રી ડી.એમ. મેરજા, પ્રાણજીવનભાઈ કુંડારિયા, ગોકળભાઈ સનાળિયા, વિઠ્ઠલભાઈ વડસોલા, એ.કે. સંઘાણી, કેશુભાઈ ભાડજા, ચંદુભાઈ માકાસણા, ડી.સી. પટેલ, બી.કે. રાજપરા તેમજ શૈક્ષણિક સ્ટાફે શાળાના આ નિર્ણયને આવકાર્યો છે.