મૃત:પ્રાય માછીમારી વ્યવસાયને બેઠો કરવા રાજ્યભરના માછીમાર અગ્રણીઓની વેરાવળ ખાતે સાગર ખેડૂ ચિંતક બેઠક યોજાઇ
ગીરસોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ એ રાજ્યનું સૌથી મોટું માછીમારી બંદર હોય ત્યારે છેલ્લી બે સિઝનથી માછીમારી વ્યવસાય સતત નુકસાનીનો સામનો કરી રહ્યો છે અને આ જ સમસ્યા સમગ્ર રાજ્યની અંદર દેખાઈ રહી છે જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ ના માછીમારી અગ્રણીઓએ વેરાવળ ખાતે મૃતપાય થતા માછીમારી વ્યવસાયને કઈ રીતે બચાવી શકાય તે બાબતે મીટીંગ કરી હતી.માછીમારી વ્યવસાયને છેલ્લા બે વર્ષથી જાણે કે ગ્રહણ લાગ્યું છે ગત વર્ષની અંદર ત્રણ વાવાઝોડા નો સામનો કરીને બેઠેલા માછીમારો હજુ સુધી વાયુ મહા અને ક્યાર વાવાઝોડા ની દહેશત ભૂલી નથી શક્યા ત્યારે માછીમારોએ હિંમત કરીને ઉછી ઉધારા કરી ફરીથી બોટને દરિયામાં મોકલી પરંતુ કોરોનાની મહામારી અને લોકડાઉન ને કારણે એ બોટોને થોડા જ દિવસમાં પાછી બોલાવી પડી ત્યારે પરપ્રાંતીય ખલાસી અને મજૂરોને આપેલા પૈસા અને તેમના વતન પહોંચાડવાની જવાબદારી પૂરી કર્યા બાદ હવે બોટ માલિકો પાસે નવી સિઝનમાં બોટ દરિયામાં ઉતારવાના પૈસા નથી બચ્યા તેવી અનેક રજૂઆતો વેરાવળ ખાતે મળેલી રાજ્યકક્ષાની આ મિટિંગમાં સામે આવી હતી. આ મિટિંગની અંદર રાજ્યભરના ૧૬ અલગ-અલગ બંદરો થી અગ્રણીઓ પહોંચ્યા હતા જેમાં સર્વાનુમતે નક્કી થયું હતું કે સ્થાનિક ધારાસભ્યો સાંસદ સભ્યો અને જનપ્રતિનિધિ ઓને માછીમાર સમાજ પોતાની વેદના રજૂ કરશે અને પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે જનપ્રતિનિધિઓ નો સહારો લેશે સાથે ડીઝલ પર દરેક માછીમારને પ્રતિ લિટર ૩૭ રૂપિયાની એક્સાઇઝ અને વેટની ચૂકવણી કરવાની હોય તેમાં રાજ્ય સરકાર ૧૦૦% ટકા વેટ માફી અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ નાબૂદ કરે તેવી માછીમારોની માંગ છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ માછીમારોની ધિરાણ મર્યાદા બે લાખની રાખવામાં આવી છે જે વધારીને ૬ થી ૭ લાખ કરવાની માછીમારોની માંગણી છે.
માછીમાર સમાજ પોતાનું પ્રતિનિધિમંડળ બનાવીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે રજૂઆત કરશે એવો આ મિટિંગની અંદર નિર્ણય લેવાયો હતો.