જીઇઆરસીના ચેરમેન આનંદકુમાર શર્માની અધ્યક્ષતામાં કોર્પોરેટ કચેરી ખાતે યોજાયેલા હિયરિંગમાં મોટી સંખ્યામાં મંડળીના આગેવાનો અને ખેડૂતો ઉમટ્યા
સામાન્ય ખેડૂતો માટે યુનિટનો વીજદર રૂ.૦.૫૦ અને સહકારી મંડળીના ખેડૂતો માટે યુનિટનો વીજ દર રૂ.૧.૫૦, બંને વચ્ચે રહેલો તફાવત દૂર કરવાની માંગ
સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં કાર્યરત ૧૦૦થી વધુ સહકારી મંડળીઓના ખેડૂતો પાસેથી વીજ કંપનીઓ દ્વારા યુનિટના રૂ. ૧.૫૦ વસુલવામાં આવે છે. જ્યારે સામાન્ય ખેડૂતો પાસેથી વીજ કંપનીઓ દ્વારા રૂ. ૦.૫૦ વસુલવામાં આવે છે. આ બન્ને વચ્ચેનો તફાવત દૂર કરવા સહકારી મંડળીઓ છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહી છે. ત્યારે આ મામલે આજે કોર્પોરેટ કચેરી ખાતે જીઇઆઈસીના ચેરમેન આનંદકુમાર શર્માની અધ્યક્ષતામાં હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મંડળીઓના હોદેદારો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા.
ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી મંડળી લિમિટેડ નામના સંગઠન હેઠળ ૧૦૧ જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે. આ દરેક સહકારી મંડળીઓમા અંદાજીત ૧૦૦- ૧૦૦ ખેડૂતો જોડાયેલા છે. આ ખેડૂતો પાસેથી વીજ કંપનીઓ એક યુનિટ વીજળીના રૂ. ૧.૫૦ વસુલ છે. જ્યારે ખેતીવાડી કનેક્શન ધરાવતા સામાન્ય ખેડૂત પાસેથી વીજ કંપનીઓ રૂ. ૦.૫૦ વસુલ છે. મતલબ કે જે ખેડૂત સહકારી મંડળી સાથે સંકળાયેલો હોય તેની પાસેથી યુનિટના વધુ રૂપિયા લેવામાં આવે છે. આ મામલે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન દેવશીભાઈ સવસાણીની આગેવાનીમાં છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી છે.
જો કે અગાઉ સહકારી મંડળીઓના ખેડૂતો પાસેથી યુનિટના રૂ. ૧.૮૦ લેવામાં આવતા હતા. ત્યારબાદ આ ભાવ ઘટાડાની પ્રબળ માંગ ઉઠતા જીઇઆરસી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.અને સર્વે બાદ રૂ. ૦.૩૦ નો ઘટાડો કરીને એક યુનિટના રૂ. ૧.૫૦ કરી દેવામાં આવ્યા હતા. આ ભાવ પણ સહકારી મંડળીના ખેડૂતો સાથે અન્યાય કર્તા હોવાનું સહકારી મંડળીના આગેવાનો જણાવી રહ્યા છે.
પીજીવીસીએલની કોર્પોરેટર કચેરી ખાતે આજે જીઇઆરસીના ચેરમેન આનંદકુમાર શર્માની અધ્યક્ષતામાં તેમજ વીજકંપનીઓના મેનેજિંગ ડાયરેકટરોની ઉપસ્થિતિમાં આજે વિવિધ પ્રશ્નોના નિકાલ માટે હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સહકારી મંડળીના યુનિટના ભાવ ઘટાડવાના મામલાને પણ હિયરિંગમાં સમાવવામાં આવ્યો હતો. જેથી આજે સહકારી મંડળીઓના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં કોર્પોરેટ કચેરી ખાતે ઉમટ્યા હતા. અને આ પ્રશ્નને લઈને જીઇઆરસી પણ હકારાત્મક વલણ દાખવીને ટૂંક સમયમાં ભાવ ઘટાડાની જાહેરાત કરશે તેવુ જણાઈ રહ્યું છે.
તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ જે મંડળીઓ શરૂ કરાવી’તી, તેના ખેડૂતો સાથે જ અન્યાય: દેવશીભાઈ સવસાણી
ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન દેવશીભાઈ સવસાણીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૫ મંડળીઓ ખોલીને ખેડૂતોને મદદરૂપ થવાનું જણાવ્યું હતું. તેઓના કહેવા મુજબ મંડળીઓ શરૂ કરવામાં આવી હતી. તા.૯/૦૫/૨૦૦૫ના રોજ મંડળીઓ શરૂ કર્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ભાવ બાબતે કહ્યું હતું કે તેઓ થોડા જ સમયમાં સમાંતર ભાવ કરી દેશે. જો કે ત્યારબાદ ભાવ યથાવત સ્થિતિમાં રહ્યા છે. આ મામલે સરકાર દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરીને સામાન્ય ખેડૂતો પાસેથી યુનિટના જેમ રૂ. ૦.૫૦ લેવામાં આવે છે તેમ સહકારી મંડળીના ખેડૂતો પાસેથી પણ યુનિટના રૂ.૦.૫૦ લેવામાં આવે.