14 જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વની ઉજવણી માટે પતંગ રસિયાઓ ધામધૂમથી પતંગ ચગાવવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારને લોકોની જીંદગીની કાંઈ પરવા હોય નહિ તેવા કડક નિયમો આજ દિન સુધી અમલી કર્યા નથી.માત્ર ચાઈનીઝ ધાતકી દોરી ઉપર પ્રતિબંધ મુકીને નાના નાના છુટક વેપારીઓને ચાઈનીઝ દોરી વેચાણ બાબતે ધરપકડ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.
અબોલ પક્ષીઓ અને માનવ જીંદગી માટે ચાઈનીઝ દોરી ધાતકી અને જીવલેણ છે એવા અનેક કિસ્સાઓ સામે આવવા છતાં પણ ચાઈનાથી મસમોટા ક્ધટેનરો કેવી રીતે ઘુસાડી દેવામાં આવે છે ?કેમ આજ દિવસ સુધી કોઈ મોટા માથાઓ પકડાયા નથી ?ચાઈના થી વસ્તુઓ દેશમાં આવી જાય ત્યાં સુધી તંત્ર અને અધિકારીઓ કઈ ઉંઘમાં હોય છે ?આજ દિવસ સુધી દેશમાં આયાત સમયે મોટી માત્રામાં ચાઈનીઝ વસ્તુઓ પર રેડ કરવામાં આવી નથી ?મોટા મોટા મગરમચ્છોને જાણી જોઈને છાવરીને રોડ રસ્તા પર પાથરણા પાથરીને પોતાનું ગુજરાન ચલાવતા છુટક વેચાણ કરનાર ધંધાર્થીઓ પાસે રેડ પાડીને ગુજરાત રાજ્ય સરકાર પોતાની બુધ્ધિનું પ્રદર્શન કરી રહી છે.નાના છુટક વેપાર કરનાર ધંધાર્થીઓ શુ ચાઈના જઇને ત્યાંથી પોતે ચાઈનીઝ વસ્તુઓ ખરીદી કરીને ગુજરાતના રોડ રસ્તા પર વેચાણ કરી રહ્યા છે ?
હાઈકોર્ટે દ્વારા ગુજરાત રાજ્ય સરકારને સ્પષ્ટતા સાથે ટકોર કરવામાં આવી કે ચાઈનીઝ તુક્કલ અને પતંગની દોરીથી લોકોનાં મોત કે ઈજા થાય તે ચલાવી લેવામાં આવશે નહી છતાં પણ નફ્ફટ ગુજરાત રાજ્ય સરકાર માત્ર ચાઈનીઝ પતંગની દોરી પર કાગડ્યા પર પ્રતિબંધ દર્શાવી રોડ રસ્તા પર ગરીબ વર્ગના છુટક વેચાણ કરનાર ધંધાર્થીને કાયદાકીય સીંકઝામા લઈને ચાર પાંચ દોરાની ફિરકાઓ કબજે કરીને મોટુ મેદાન માર્યું હોય એવું કડક વલણ સાથે ફરીયાદો નોંધીને બહાદુરી દર્શાવે છે.ખરેખર લોકોની સલામતી જીંદગી બાબતે નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી.ચાઈનીઝ ધાતકી પતંગની દોરીની આયાત પર કડક બંદોબસ્ત કરવામાં આવશે તો છૂટક વેચાણ કરનાર વેપારીઓ સુધી ચાઈનીઝ પતંગની દોરી પહોંચવી અશક્ય બનશે.જરૂર છે કડક બંદોબસ્ત સાથે બહારથી ચાઈનીઝ પતંગની ધાતકી દોરીની આયાત પર પ્રતિબંધ લગાવીને નિયંત્રણ કરવાની.