કાકીડાની જેમ ‘કલર’ બદલતો કોરોના કયારેય વિદાય નહીં લે??

ટચુકડા એવા કોરોના વાયરસને આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં વાયરસની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી..!! કાકીડાની જેમ કલર બદલતો કોરોના કોણ જાણે હવે ક્યારે વિદાય લેશે..?? થોડા સમય માટે હજુ માંડ થોડો હાશકારો થયો હતો ત્યાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. વિશ્વની મહાસત્તા ગણાતા એવા અમેરિકામાં ફરી કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ડેલ્ટા કટોકટી જારી કરી દેવાઈ છે. ડેલ્ટા પલ્સ વેરીએન્ટ્ને કારણે અમેરિકામાં એક જ દિવસમાં 1.3 લાખ લોકો સંક્રમિત થયા છે. જે કોઈ મોટી ચેતવણીથી કમ નથી..!!

વિશ્ર્વની મહાસત્તા ફરી કોરોનાના ભરડામાં; ચોથી લહેરની શરૂઆતમાં જ ભયાવહ સ્થિતિ

અમેરિકાની સ્થિતિ જોઈ ભારત સહિતના ઘણા દેશોએ સતર્ક થઈ આગમચેતીનાં ભાગ રૂપે પગલા ભરવા ખૂબ જરૂરી

ઘડીક ડેલ્ટા તો ઘડીક ડેલ્ટા પલ્સ તો ઘડીક અન્ય સ્વરૂપ…. કોરોનાના સમયાંતરે બદલતા જતા કલરે સૌ કોઈને હેરાન કરી મુક્યા છે. આના કારણે ઘણા દેશો ત્રીજી તો ઘણા દેશો ચોથી લહેરમાં સપડાયા છે. હાલ અમેરિકામાં કોરોના વાયરસની ચોથી લહેર શરૂ થઈ ગઈ છે. જેના પરિણામે કેસ વધુ ઝડપે નોંધાઈ રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં જો ભારતની વાત કરીએ તો, હાલ ભારતમાં એક તરફ તહેવારોની સિઝન ચાલી રહી છે. તો બીજી તરફ ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. આમ અમેરિકાની સ્થિતિ જોઈને ભારત સહિતના ઘણા દેશોએ આગમચેતીના ભાગરૂપે સતર્ક થઈ જવું જોઈએ અને પગલાં લેવા જોઈએ.

અમેરિકામાં ચાર મહિના પછી, એક જ દિવસમાં મૃત્યુનો આંકડો એક હજારને વટાવી ગયો છે. રશિયામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી મરી રહ્યા છે. બ્રાઝિલ કોરોનાની નવી લહેરની પકડમાં છે અને ફરી એક દિવસમાં ત્યાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ન્યુઝીલેન્ડમાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. વિશ્વ ફરી કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યું છે. સાવધાની હટી… દુર્ઘટના ઘટી…. ની જેમ જો નિયમ પાલન નહીં કરીએ તો ભારતમાં પણ કોરોના ફરી વરવુ સ્વરૂપ ધારણ કરી શકે છે.

યુ.એસ.માં ડેલ્ટા વેરિએન્ટને કારણે ચાલી રહેલી ચોથી તરંગમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલો ફરી ભીડથી ઉભરાઈ ગઈ છે. એમાં પણ મોટો ખતરો એટલા માટે છે કે અહીં કોરોનાની ચોથી લહેરમાં બાળકો વધુને વધુ ચેપનો શિકાર બની રહ્યા છે. અમેરિકાના બાળરોગ અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સોસાયટીના જણાવ્યા અનુસાર, જૂનના અંતથી 12 ઓગસ્ટ સુધી 1 લાખ 21 હજાર બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં 4 લાખ 41 હજાર બાળકો કોરોનાનો શિકાર બન્યા છે. હાલમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ રસી ન અપાતા બાળકો વધુ ભોગ બની રહ્યા છે. જો કે, બાળકો માટે ટૂંક સમયમાં અસરકારક રસી ઉપલબ્ધ બને તે માટે વૈજ્ઞાનિકો સતત પ્રયાસમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.