અબતક, જામનગરઃ કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાની એક પછી એક લહેર આવી રહી છે. બીજી લહેરની હજુ તો કળ વળી નથી ત્યાં દરવાજે ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી હોવાના રિપોર્ટ સામે આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે જામનગરમાં એક વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વાતની જાણ થતા જ જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. જો કે આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે મહિલા હાલ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેણીએ વેક્સિનનો 1 ડોઝ પણ લીધો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરના ગાંધીનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા મહિલા વૃદ્ધને 28 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ G.G. હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ૨ જૂનના રોજ ડિસચાર્જ થયા હતા. જામનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડેલ્ટા પ્લસની ચકાસણી માટે G.G. હોસ્પિટલમાંથી રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવેલ જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.

શું છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ?

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ખુબ જ સંક્રમિત ડેલ્ટા વેરિયન્ટનું જ બદલાયેલું સ્વરૂપ છે. ભારતમાં બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હોવાનું કહેવામાં આવે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (B.1.617.2.1) ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2)માંથી જ આવેલા બદલાવથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં આવેલા એક બદલાવ (મ્યૂટેશન)ને કારણે ડેલ્ટા પ્લસ બન્યો છે. સ્પાઇક પ્રોટીનથી જ વાયરલ શરીરમાં ફેલાય છે. ડેલ્ટા પ્લસના સ્પાઇક પ્રોટીનમાં જે બદલાવ જોવા મળ્યા છે તે બદલાવ સાઉથ આફ્રિકામાં સૌથી પહેલા જ જોવા મળેલા બીટા વેરિયન્ટમાં પણ જોવા મળ્યા છે.

મહારાષ્ટ્રના કોવિડ19 ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર શશાંક જોશીનું કહેવું છે કે કોરોના વાયરલના ડેલ્ટા પ્લસ સ્વરૂપને લઇને ચિંતા કરવા માટે હાલ પર્યાપ્ત આંકડા નથી. તેઓએ ટ્વીટ કરી રહ્યું કે આપણે અત્યારે માત્ર એક જ વાતની ચિંતા કરવી જોઇએ કે આપણે બે માસ્ક લગાવી, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળનું જોઇએ અને વેક્સીન લઇને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.