બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરાતા ટ્રાફિકનું ભારણ ઘટતા મેયર ડો.જૈમનભાઈ

ઉપાધ્યાયે કરેલી રજુઆતને સફળતા: જાહેરનામું પ્રસિદ્ધ

શહેરના મધ્યસ્થ બસ સ્ટેશનનું શાસ્ત્રીમેદાન ખાતે સ્થળાંતર કરવામાં આવતા ટ્રાફિક ભારણ ઘટયું હોય ઢેબર રોડ પર ફોર વ્હીલર વાહનોને વન-વેમાંથી મુકિત આપવાની મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની રજુઆતને સફળતા સાંપડી છે.નાગરીક બેંક ચોકથી ત્રિકોણબાગ સુધીનો ઢેબર રોડ પર ફોર વ્હીલરોને વન-વેમાંથી મુકિત આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઢેબર રોડ પર સેન્ટ્રલ બસ સ્ટેશન આવેલું હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા નાગરીક બેંક ચોકથી ત્રિકોણબાગ સુધી ફોર વ્હીલરો માટે વન-વે જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન ઢેબર રોડ પર આવેલું બસ સ્ટેન્ડ થોડી અહીં અત્યાધુનિક બસપોર્ટ બનાવવાનું રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જે માટે હાલ આ બસ સ્ટેશન બંધ કરી શાસ્ત્રી મેદાનમાં હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. ઢેબર રોડ પર બસ સ્ટેશન બંધ હોવા છતાં અહીં ફોર વ્હીલરો માટે વન-વે ચાલુ રાખવામાં આવ્યો હતો. જેના કારણે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર ટ્રાફિકનું પ્રમાણ વધુ રહેતું હતું. આ રસ્તો ખુબ જ સાંકળો છે. આ ઉપરાંત રસ્તા પર હોટલ, લગ્નની વાડી, રહેણાંક અને કોમર્શીયલ વિસ્તાર હોવાના કારણે અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી ત્યારે નાગરીક બેંક ચોકથી ત્રિકોણબાગ સુધીના ઢેબર રોડ પર ફોર વ્હીલરોને વન-વેમાંથી મુકિત આપવા પોલીસ વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે રજુઆતને ધ્યાને લઈ પોલીસ કમિશનર કચેરી દ્વારા તાજેતરમાં એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ઢેબર રોડ પર નવું બસ સ્ટેશન કાર્યરત ન થાય ત્યાં સુધી નાગરીક બેંક ચોકથી ત્રિકોણબાગ સુધી ઢેબર રોડ પર ફોર વ્હીલર વાહનોને વન-વે માંથી મુકિત આપવામાં આવી છે અને અવર-જવરની છુટ આપવામાં આવી છે. આ માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે પોલીસ વિભાગના નિર્ણયને આવકારી પોલીસ કમિશનર અને ટ્રાફિક પી.આઈ.નો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.