• આજનું બી.કોમનું પેપર રદ્ જ્યારે બી.બી.એ.નું પ્રશ્ર્નપત્ર સવારે નવેસરથી તમામ પરીક્ષા કેન્દ્રો પર ઇ-મેઇલ મારફતે મોકલાવવામાં આવ્યું
  • બી.બી.એ.ની પરીક્ષા નિયમ સમય મુજબ જ લેવામાં આવી, બી.કોમ.ની આજની પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે
  • યુનિવર્સિટીનું તંત્ર ઉંધા માથે, તમામ પરિક્ષા કેન્દ્રો પાસેથી બી.બી.એ-બી.કોમના પ્રશ્ર્નપત્ર પરત મંગાવાયા: સી.સી.ટી.વી. ફૂટેજ દ્વારા તપાસનો ધમધમાટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેમ એક પછી એક છબરડાં બહાર આવી રહ્યા છે ત્યારે આવા છબરડાં અને વિવાદોના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાઇ રહ્યું છે. એ-કક્ષાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી-ગ્રેડ મળ્યો છતાં પણ યુનિવર્સિટીમાં બી-ગ્રેડ કક્ષાના છબરડાંઓ સતત સામે આવે છે ત્યારે કહી શકાય કે ભાજપના બે જૂથ જ યુનિવર્સિટીની ઘોર ખોદી રહ્યા છે? આજના લેવાનારી બી.કોમ અને બી.બી.એ.ની પરીક્ષાના પ્રશ્ર્નપત્રો ગત રાત્રે જ લીક થઇ જતાં સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ભારે ઓહાપો મચવા પામ્યો છે. જો કે, આ વર્ષે યુનિવર્સિટીએ ત્રણ સેશનમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે તે ક્યાંક ખોટો સાબિત થઇ રહ્યો છે કેમ કે પરીક્ષાના આગલા દિવસે જ પ્રશ્ર્ન પેપર પહોંચાડી દેવા તે યોગ્ય નથી અને પેપર લીક થવા મામલે ક્યાંક આ જ કારણ મોખરાનું સ્થાન લઇ રહ્યું છે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષથી જ બે નહિ પરંતુ એક જ દિવસમાં ત્રણ તબક્કે પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે. છેલ્લા ચાર દિવસથી પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજરોજ બી.બી.એ. સેમ-5માં ડાયરેક્ટ ટેક્સ, બી.કોમ સેમ-5 ઓડિટીંગ એન્ડ કોર્પોરેટ ગર્વનન્સ-1નું પેપર લેવાનું હતું જો કે ગત રાત્રે જ પેપર લીક થવાની ઘટનાને પગલે બી.કોમ.નું પેપર તાકીદે રદ્ કરવાનો વારો આવ્યો છે. જો કે બી.બી.એ.નું પેપર આજે વહેલી સવારે તમામ પરીક્ષા કેન્દ્રો પર ઇ-મેઇલ થ્રૂ પહોંચાડવામાં આવ્યું હતું એટલે બી.બી.એ.નું પેપર નિયત સમય મુજબ જ લેવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક પહેલા પરીક્ષા કેન્દ્રો પર ઇ-મેઇલ કરીને પ્રશ્ર્નપત્ર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો જેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે. આજે બી.બી.એ. અને બી.કોમ. સેમ-5ની પરીક્ષા લેવાની હતી ત્યારે ગત મધરાત્રે જ રાજકોટની 32 પરીક્ષા કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રોમાંથી જ પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. જો કે હવે કોને પેપર લીક કર્યું? ક્યાંથી પેપર લીક થયું? કેવી વિદ્યાર્થીઓ પાસે પેપર અગાઉ આવ્યું? આ વૈદ્યક સવાલો શિક્ષણ જગતમાં થઇ રહ્યા છે ત્યારે હવે યુનિવર્સિટી કંઇ રીતે આની તપાસ કરશે? અને આજે બપોર સુધીમાં યુનિવર્સિટી પોલીસ ફરિયાદ કરશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

એક પછી એક પેપર લીકની ઘટનાથી સૌ.યુનિ. બદનામ !

આ પ્રથમ ઘટના નથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોય ગત વર્ષે જ ધોરાજીની એક કોલેજમાં પેપર લીકની ઘટના સામે આવી હતી. અગાઉ પણ અવાર-નવાર આવા પ્રકરણો સામે આવ્યા છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકશાન થઇ રહ્યું છે. જો કે પેપર લીક કોણ કરે છે? અંદરો-અંદરના લોકો જ આમાં સંડોવાયેલા નથીને? આવા વૈદ્યક સવાલો યુનિવર્સિટીના પરિસરમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

પરીક્ષા કેન્દ્રોના ઓનલાઇન સીસીટીવી, છતાં બેફામ ચોરીઓનો ધમધમાટ યથાવત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગઇકાલે મધરાત્રે પેપર લીકની ઘટના સામે આવી છે. માત્ર પેપર લીક થવા જ એક પ્રશ્ર્ન નથી પરંતુ બેફામ ચોરીઓનો દોર પણ મોટાભાગની કોલેજોમાં યથાવત છે ત્યારે પરીક્ષા કેન્દ્રો પરના સીસીટીવી કોઇપણ ઓનલાઇન જોઇ શકે છે જો કે આ સીસીટીવીથી કોલેજોને કંઇ જ ફેર પડતો ન હોય તેમ મોટાભાગની કોલેજો એવી છે કે ત્યાં વિદ્યાર્થીઓ બેફામ ચોરીઓ કરી રહ્યા છે. કોલેજ સંચાલકો જાણે આ બાબતથી અજાણ હોય તેમ આંખે પાટા બાંધીને બેઠા છે અને યુનિવર્સિટી પણ કોઇ એક્શન લેતી નથી ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યા છે તેવું ચોક્કસપણે કહી શકાય.

એનએસયુઆઇનું હલ્લાબોલ: પેપર લીક માટે જવાબદારો સામે પગલાં લો

ગુજરાત એનએસયુઆઇ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આજે સમગ્ર એનએસયુઆઇની ટીમ સાથે રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મુદ્ે હલ્લાબોલ કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે આ પ્રથમ ઘટના નથી. અવાર-નવાર યુનિવર્સિટીઓમાં આવી ઘટનાઓ થઇ રહી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા અંગે કેટલાંક નિયમો બનાવ્યા છે. અગાઉ યુનિવર્સિટી ઇ-મેઇલ મારફતે પેપર મોકલતી હતી તે યથાવત રાખવું જોઇએ અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થયાં બાદ જો સંચાલકોએ પેપર લીક કર્યું હોય તો તેની કોલેજની માન્યતા રદ્ થવી જોઇએ તેવી અમારી માંગ છે.

બી.કોમ.નું પેપર રદ્ થતાં વિદ્યાર્થીઓ પરીક્ષા દીધા વિના જ પરત ફર્યાં: ભારે રોષ

1665634214476

વધુ એક પેપર ફૂટવાને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ આજે ધૂંધળાતું નજરે પડ્યું છે. અંદાજે પાંચેય જિલ્લામાં થઇને 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ સવારે બી.કોમ.ની પરીક્ષા આપવા આવ્યા હતા. જો કે પેપર લીક થયાની જાણ થતા અને પરીક્ષા રદ્ થતાં કોલેજની બહાર વિદ્યાર્થીઓના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વગર પરીક્ષા આપ્યે જ વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા અને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

હવે પછી તમામ પ્રશ્ર્નપત્રો ફૂલપ્રૂફ મેઇલ દ્વારા પહોંચાડાશે: પરીક્ષા નિયામક

NIlesh soni

સમગ્ર ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે જે રીતે પેપર લીક થયા છે તે જોઇને લાગી રહ્યું છે કે આ એક કાવતરૂં હોય. રાતથી જ અમે એ પ્રક્રિયામાં લાગ્યા છીએ કે કોણે પેપર લીક કર્યું.

રાજકોટની તમામ 32 પરીક્ષા કેન્દ્રો પર અમે સંપર્ક સાધીને સમગ્ર પ્રશ્ર્નપત્ર પાછા મંગાવ્યા છે અને તમામ પરીક્ષા કેન્દ્રો તપાસ હાથ ધર્યા બાદ અમે નામ સાથે જ પોલીસ ફરિયાદ કરીશું. હવે પછી તમામ પ્રશ્ર્નપત્રો ફિઝીકલી નહિ પરંતુ પરીક્ષાના એક કલાક પહેલા જ ફૂલપ્રૂફ મેઇલ દ્વારા જ પહોંચાડવામાં આવશે. જેથી આવી ઘટના પ્રકાશમાં ન આવે.

યુનિવર્સિટીએ રાતો-રાત પરીક્ષા કેન્દ્રોની તપાસ કરવી જરૂરી ન લાગી !

ગઇકાલ મધરાત્રે બી.કોમ. અને બી.બી.એ.ના પેપર લીકની ઘટના સામે આવી હતી. પરીક્ષા નિયામક સહિતના તમામને ભક્તિનગર પોલીસ સ્ટેશને હાજર થવાનો હુકમ ફરમાવાયો. જો કે ત્યારબાદની પ્રક્રિયા તાત્કાલીક ન કરાતા હજુ સુધી ખબર નથી પડી કે આ પેપર લીક કોણે કર્યાં. જો યુનિવર્સિટી તંત્ર દ્વારા રાતોરાત જ તમામ પરીક્ષા કેન્દ્રો પર રૂબરૂ જઇને તપાસ કરાઇ હોત તો અત્યાર સુધીમાં સામે આવી ગયું હોત કે યુનિવર્સિટીને બદનામ કરનારા કોણ છે.

જવાબદારોને કોઇપણ ભોગે છોડવામાં નહિ આવે: કુલપતિ ભીમાણી

dr girish bhimani 20220601115707 223

સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે પરીક્ષાના પ્રશ્ર્નપત્ર લીક કરવાની ઘટના અતિ ગંભીર છે. સમગ્ર બાબતની હાલ ઝીણવટ પૂર્વક તપાસ ચાલી રહી છે ત્યારે જવાબદાર કોઇ યુનિવર્સિટીનો કર્મચારી હોય, કોલેજના કોઇ સંચાલક હોય કે વિદ્યાર્થી હોય કોઇપણને છોડવામાં નહિ આવે અને જો કોઇ કોલેજમાંથી પેપર લીક કરવાનું કૃત્ય થયું હશે તો તે કોલેજની માન્યતા તો રદ્ થશે જ સાથોસાથ ભવિષ્યમાં પણ તે રાજ્યમાં એકપણ કોલેજ શરૂ ન કરી શકે તેવા કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. યુનિવર્સિટી આજે પ્રાથમિક તપાસ બાદ સાંજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.