૨૦૧૬ વર્ષમાં મિલકતના પ્રશ્ર્ને નાના ભાઈનું કુહાડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ ‘તું: બચાવવા પડેલા પિતા ઘવાયા‘તા
ઉપલેટા ખાતે ૨૮ મહિના પહેલા મિલકતના મનદુ:ખના કારણે મોટાભાઈના હાથે નાનાભાઈની કરપીણ હત્યા અને પિતાની હત્યાની કોશિષના ગુનાનો કેસ ધોરાજીની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ઉપલેટા ખાતે રહેતા સંજય વાલા સોલંકી અને તેના નાના ભાઈ અજય વાલા સોલંકી વચ્ચે મિલકતના પ્રશ્ર્ને સંજય સોલંકીએ કુહાડી વડે અજય સોલંકી પર હુમલો કરી એસીડ ફેંકતા તેની વચ્ચે પડેલા પિતા વાલા નાથા સોલંકી ઘવાયા હતા જયારે અજય સોલંકીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવમાં મૃતક પુત્ર અજય સોલંકીની માતા મોતીબેને સગા પુત્ર સંજય સોલંકી સામે પુત્રની હત્યા અને પતિ વાલા સોલંકીની હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તપાસનીશ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ ચકચારી ખુન કેસમાં બચાવ પક્ષના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાએ ફરિયાદપક્ષે જે પુરાવાઓ રજુ રાખેલા છે તે આરોપી વિરુઘ્ધ નિ:શંકપણે પુરવાર થતા નથી ખુદ માતાની જુબાની ધ્યાને લેવામાં આવે તો મિલકતના ભાગની જે વાત કરેલી છે તે અંગે આરોપી સાથે દિવાની કોર્ટમાં લેખિત સમાધાન થઈ ગયેલું છે. માતાને માનસિક બિમારી હોય જેની લાંબા સમયથી સારવાર ચાલુ હોય તેથી પુત્રનું નામ આપેલું છે.
સ્થાનિક જગ્યાની દિવાલો ધ્યાને લેવામાં આવે તો ૧૨ ફુટ વંડાની દીવાલો છે તે દીવાલો કોઈપણ જાતના આધાર વગર આરોપી દીવાલ ઓળંગી શકે તેવી કોઈ શકયતાઓ રહેલી નથી. ફરિયાદપક્ષનો પુરાવો ધ્યાને લેવામાં આવે તો રાત્રીના ૩ વાગ્યે અંધારામાં બનાવ બનેલ છે. આરોપી તરફે લેખિત દલીલો ધ્યાને લઈ આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરી હતી.
બંને તરફ રજુ થયેલી લેખીત દલીલો તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ ધોરાજીના બીજા એડી.સેશન્સ જજ એચ.એ.દવેએ આરોપી સંજય સોલંકીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં બચાવપક્ષે રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, જયદેવસિંહ જાડેજા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, મીલન જોષી અને દીપ પી.વ્યાસ રોકાયેલા હતા.