ધારાસભ્યએ ખેડૂતો, નર્મદાના અધિકારો સાથે બેઠક યોજી.

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળતો હોવા છતાં છેવાડાના ગામો સુધી નર્મદાના નીર ન પહોંચતા હોવાની ખેડૂતોમાં બુમરાડ ઉઠવા પામી છે. આથી દસાડાના ધારાસભ્યએ ખેડૂતો, કોંગ્રેસી આગેવાનો અને નર્મદાના અધિકારો સાથે મીટીંગ કરી છેવાડાના ગામ સહીત તમામ ગામોમાં નર્મદાના નીર પહોંચે એવી અધિકારીઓને તાકિદ કરી છે.

પાટડી તાલુકાના ૮૯ ગામોમાંથી ૮૭ ગામોમાં નર્મદાના નીર પહોંચ્યા હોવાના તંત્ર દ્બારા દાવાઓ કરાઇ રહ્યાં છે. ત્યારે દસાડા તાલુકામાંથી પસાર થતી માળીયા શાખા કેનાલ, ઝીંઝુવાડા શાખા કેનાલ, ખારાઘોઢા શાખા કેનાલ અને ગોરૈયા શાખા કેનાલમાં નબળા કામ, વારંવાર તૂટતી કેનાલો અને તંત્રના અણધડ વહિવટના કારણે છેવાડાના ગામોં સુધી નર્મદાના નીર ન પહોંચતા ખેડૂતો માટે નર્મદાના નીર ઝાંઝવાના જળ સમાન બનવા પામ્યાં હતા.

આ અંગે ખારાઘોઢા સહિત છેવાડાના ગામના નર્મદાના નીરથી વંચિત રોષે ભરાયેલા ખેડૂતોએ દસાડા લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીને ઉગ્ર રજૂઆતો કરી હતી. આથી ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ શનિવારે ખેડૂતો, નર્મદાના અધિકારીઓ, વિક્રમભાઇ રબારી, લાલાભાઇ પટેલ અને ફારૂકભાઇ મલિક સહિતના કોંગ્રેસના આગેવાનો સાથે પાટડી સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી.

અને તમામ ગામો સુધી નર્મદાના નીર તાકીદે પહોંચે એ માટે અધિકારીઓને તાકીદ કરવાની સાથે કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નોને નર્મદાના અધિકારીઓને સામે બેસાડી નિકાલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.દસાડાના ધારાસભ્યએ ખેડૂતો, કોંગ્રેસી આગેવાનો અને નર્મદાના અધિકારો સાથે મેરોથોન મીટીંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.