વેપારીઓ હવે તોલમાપ કચેરીએ જઈ પ્રોસિજર કરી શકશે: અધિકારીઓ મદદ કરશે
છેલ્લા ૩પ-૪૦ વરસથી તોલમાપ ખાતા દ્વારા માન્ય કરેલ રિપેરરો વેપારીઓના મેન્યુઅલ તથા ઈલેક્ટ્રોનિક કાંટા-તોલા તેઓના ધંધાના સથકેથી લઈ, રિપેરીંગ કરી, સરકારી ધારાધોરણ મુજબની ચકાસણી ફી ના ચલણ સ્ટેટ બેંકમાં ભરી, તોલમાપ કચેરીમાં સ્ટેમ્પીંગ કરાવી, સર્ટીફિકેટ મેળવી વેપારીઓના દુકાન-ગોડાઉન સુધી પહોંચાડવાની વ્યવસ્થિત કામગીરી વ્યાજબી મજૂરી લઈ સંતોષકારક રીતે કરતા હતાં.
પરંતુ તાજેતરમાં જાન્યુઆરી ર૦ર૦ થી તોલમાપ ખાતાએ (રિપોર્ટ મેન્ટ ઓફ લિગલ મેટ્રોલોજી) વેપારીઓ ઉપર તેઓના વજન-કાંટા સ્ટેમ્પીંગ કરાવવા માટે ઓનલાઈન સિસ્ટમી અરજી કરવી, રિન્યુઅલ ફી ભરી, વજન-માપની વિગતો ભરવાનો નવો કાયદો ઠોકી બેસાડતા સમગ્ર વેપારી આલમમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો.
રિટેલ વેપારી મહામંડળ-જામનગરના પ્રમુખ શશિકાન્ત મશરૃએ નિયંત્રક, કાનૂની માપ-વિજ્ઞાન કચેરી, ગાંધીનગરને ઉપરોક્ત કાયદા સામે વિરોધ દર્શાવતા પત્રમાં જણાવેલ કે મોટાભાગના વેપારીઓ પાસે કોમ્પ્યુટર નથી હોતા, જે વેપારીઓ પાસે છે તેઓ પાસે ઈન્ટરનેટ સુવિધા હોતી નથી, ઓનલાઈન બેંકીંગ સિસ્ટમ હોતી નથી, સિસ્ટમ ઓપરેટ કેવી રીતે કરવી તે પણ ન આવડતું હોય ત્યારે વેપારીઓ માટે ઓનલાઈન સિસ્ટમ કાંટા-તોલા મુદ્રાંકનની કામગીરી કરવી અશક્ય છે. ’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ અંતર્ગત વજન-માપ સાધનોના ચકાસણી મુદ્રાંકનની કામગીરી આઈ.એફ.પી. પોર્ટલ પર ઓનલાઈન થાય તે આવકાર્ય છે. કોઈપણ બાબતમાં પરિવર્તન આવે તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ જ્યારે દરેક વેપારી આવી સિસ્ટમ જાણતો ન હોય અને સુવિધા ધરાવતો ન હોય તો તે માટે રાજ્યના તોલ-માપ ખાતાએ આવા કાયદા અંગે પૂન: વિચારણા કરવી જોઈએ.
રિટેલ વેપારી મહામંડળ-જામનગર તથા અન્ય સંસ્થાઓના ઉગ્ર વિરોધ તથા યોગ્ય માંગણી સ્વીકારીને કાનૂની માપ-વિજ્ઞાન કચેરી તરફથી મળેલા પ્રત્યુત્તરમાં જણાવ્યા મુજબ સરકારના વહીવટમાં વધુ પારદર્શિતા લાવવાના શુભ હેતુથી હવેથી કોઈપણ વેપારી પોતાના વજન-કાંટાના મુદ્રાંકન માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવે તે માટે, ઓનલાઈન સિસ્ટમની ઝંઝટમાંથી છૂટકારો મેળવવા પોતાને જાતે જઆ કામગીરી ન કરવી પડે તે માટે, રાજપાર્ક, સેવાસદન-૪, બ્લોક નં. ૧પ માં કાર્યરત તોલમાપ કચેરીના મદદનીશ તોલમાપ નિયંત્રક મદદરૂપ થઈ સહકાર આપશે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી અંગે ઉપરોક્ત કચેરીનો સીધો જ સંપર્ક કરવાનો રહેશે. તેમ સંસના પ્રમુખ શશિકાન્ત મશરૂએ જણાવ્યું છે.