પેપર લીક થતાં રાજયવ્યાપી તપાસનો ધમધમાટ, તમામ જિલ્લા મથકે એસઓજીને તપાસ કરવાનો ડીજીપીનો હુકમ: ગાંધીનગરના એસ.પી એ પાંચ શખ્સો સામે નોંધાવી ફરિયાદ
પેપર દિલ્હીના ગુરુગ્રામથી લીક કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ, પેપરની આન્સર સીટ રૂ.૫ લાખમાં વેચાઈ હતી: અનેક મોટા માથાઓના નામ ખુલે તેવી શકયતાઓ
લોકરક્ષક દળનું પેપર લીક થવા મામલે ગાંધીનગરના એસ.પી.એ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે એક પીએસઆઈ સહિત ત્રણ શખ્સોની ધરપકડ પણ કરી છે. ગઈકાલે જ ડીજીપીએ તમામ જિલ્લા મથકે એસઓજીને તપાસ કરવાનો હુકમ પણ કર્યો હતો. જોકે પેપર ગુજરાતમાંથી નહીં પરંતુ દિલ્હીના ગુરુગ્રામથી લીક કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે. ઉપરાંત પેપરની આન્સર સીટ રૂ.૫ લાખમાં વેચાઈ હોવાનું પણ બહાર આવ્યું છે. પેપર લીક કરવામાં અનેક મોટામાથાઓના નામ પણ ખુલ્લે તેવી શકયતાઓ હાલ સેવાઈ રહી છે.
રાજયના ૨૯ શહેરોમાં ગઈકાલે ૮.૭૫ લાખ ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. ૯૭૧૩ જગ્યા માટે ગઈકાલે ૧૦૦ માર્કસનું પેપર લેવાનું હતું. ઠેક-ઠેકાણેથી પરીક્ષા કેન્દ્ર ખાતે જહેમત ઉઠાવી પહોંચેલા ઉમેદવારોને કેન્દ્ર ખાતે પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે પેપર લીક થવાથી પરીક્ષા રદ કરવામાં આવેલ છે. પેપર લીક થવાનો આ મામલો હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે જોકે ડીજીપીએ તુરંત જ તમામ જિલ્લા મથકોએ એસઓજીને તપાસ કરવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત કમિશનર અને એસપીને પેટ્રોલીંગ વધારવાનો આદેશ પણ કર્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા રદ થઈ હોવાની જાણ થતા તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક શહેરોમાં ઉમેદવારોએ વિરોધ દર્શક કાર્યક્રમ પણ આપ્યા હતા. પેપર લીક થવા મામલે ગાંધીનગર સેકટર-૭ના એસપીએ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં બનાસકાંઠાના અદેરણાના મુકેશ ચૌધરી, ગાંધીનગરના શ્રીરામ હોસ્ટેલના સંચાલક રૂપેશ શર્મા, વડોદરાના યશપાલ સોલંકી, મનહર પટેલ અને પીએસઆઈ પી.વી.પટેલનો સમાવેશ થાય છે. જોકે પોલીસે પાંચ પૈકી ૩ શખ્સો પીએસઆઈ પી.વી.પટેલ, મનહર પટેલ અને મુકેશ ચૌધરીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.
પેપર લીક થવા મામલે કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે કે પેપર ગુજરાતમાંથી લીક થયું નથી દિલ્હીના ગુરુગ્રામ ખાતેથી પેપર લીક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ.પાંચ લાખમાં પેપરની આન્સર સીટ વેચાઈ હોવાનું સામે આવ્યું છે.
આરોપી ફલાઈટ મારફતે આન્સર સીટ લેવા દિલ્હી ગયો હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ પેપર લીક થવા મામલે પોલીસ દ્વારા રાજયવ્યાપી તપાસ ચાલી રહી છે. આ ગુનામાં મોટા માથાઓની પણ સંડોવણી ખુલવાની શકયતા સેવાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર તંત્રની ઝાટકણી: રોષે ભરાયેલા ઉમેદવારોએ વાયરલ કર્યા મેસેજ
લોક રક્ષક દળનું પેપર લીક થતાં પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. દુર-દુરથી આવેલા ઉમેદવારોને ધરમનો ધકકો થયો હતો. જેના પગલે રોષે ભરાયેલા ઉમેદવારોએ સોશિયલ મિડીયા પર તંત્રની ઝાટકણી કાઢી હતી. પેપર લીક થવા મામલે સોશિયલ મિડીયા પર અનેક મેસેજ વાયરલ થયા છે. આ મેસેજ તંત્ર સામે કટાક્ષ કરતી હાસ્યાસ્પદ ભાષામાં લખાયેલા છે. પેપર લીક થતાં ગુસ્સે ભરાયેલા ઉમેદવારોએ આ પ્રકારના મેસેજ ફોરવર્ડ કરીને મન હળવું કર્યું હતું.
ઠેક-ઠેકાણે આક્રોશ: જામનગર અને જૂનાગઢમાં ઉમેદવારોનો ઉગ્ર વિરોધ
પેપર લીક થયું હોવાથી પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળતા પેપર આપવા દુરથી આવેલા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મોટાભાગના સેન્ટરોમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક સેન્ટરોમાં ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.
રોષે ભરાયેલા ઉમેદવારોએ જામનગર ખાતે પેપરની હોળી કરી પેપર ફુટવાની ઘટના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જયારે જુનાગઢમાં ઉમેદવારોએ રોડ ચકકાજામ કરીને રોષ પ્રગટ કર્યો હતો. પેપર લીક થયાનું જાહેર કર્યા બાદ તમામ જિલ્લાના એસપી અને કમિશનરોને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પેટ્રોલીંગ વધારવાની સુચના પણ આપી દેવામાં આવી હતી.
ડેલે હાથ દઈને આવ્યા’ જેવી ઉમેદવારોની હાલત
લોકરક્ષક દળ માટે ગઈકાલે પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારો પરીક્ષા દેવા ઘરેથી જુસ્સાભેર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા પરંતુ પેપર શરૂ થાય તેની એકાદ કલાક પૂર્વે પેપર લીક થયું હોવાથી પરીક્ષા મોકુફ રાખવાનું જાહેર થતાં ઉમેદવારો નિરાશા સાથે ઘરે પરત ફર્યા હતા ત્યારે ‘ડેલે હાથ દઈને આવ્યા’ જેવી ઉમેદવારોની હાલત થઈ હતી. બપોરે ૩:૦૦ કલાકે પેપર શરૂ થવાનું હતું ઉપરાંત મોટાભાગના ઉમેદવારોને પોતાના શહેરથી દુર પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું હતું માટે તેઓ વહેલી સવારથી જ ઘરેથી નિકળી જઈને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. કલાકો સુધી ત્યાં બેસ્યા બાદ પરીક્ષા જ કેન્સલ થઈ હોવાનું જાણવા મળતાં ઉમેદવારોને ધરમનો ધકકો થયો હોવાનું સાબિત થયું હતું.
પરીક્ષામાં એસ.ટી અને ખાનગી વાહન ચાલકોના ખીસ્સા છલકાયા
રાજયના ૮.૭૫ લાખ ઉમેદવારોએ ગઈકાલે લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. મોટાભાગના ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર અન્ય શહેરમાં હતું જેના કારણે તેઓને એસ.ટી કે ખાનગી વાહનોનો સહારો લેવો પડયો હતો. એસ.ટી બસ પુરતી માત્રામાં ન હોવાના કારણે મોટાભાગના ઉમેદવારોએ ખાનગી વાહનો પર આધાર રાખ્યો હતો. પરિસ્થિતિ જાણીને ખાનગી વાહનોએ રીતસર લુંટ ચલાવી હતી. ઉપરાંત એસ.ટી.બસમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. આમ પરીક્ષાના લીધે એસ.ટી અને ખાનગી વાહન ચાલકોના ખીસ્સા પૈસાથી છલકાય જવા પામ્યા હતા.