દિલ્હી પોલીસે છત્રસાલ સ્ટેડિયમ ખાતે થયેલી બોલાચાલી બાદ એક કુસ્તીબાજીનું મોત થયું હતું. આ કેસ બાબતે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ફટકારી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, ‘રવિવારે મોડી સાંજે નોટિસ ફટકારવામાં આવી છે.’ પોલીસે ઝઘડાનો ભોગ બનેલા લોકોનું નિવેદન નોંધ્યું છે. તેમણે કહ્યું કે, ‘ઝઘડો મોડેલ ટાઉન વિસ્તારમાં એક ફ્લેટ ખાલી કરાવવાની બાબતે થયો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ અગાઉ કહ્યું હતું કે, ‘સુશીલ કુમાર વિરુદ્ધ આ કેસને લઈ FIR દાખલ થઈ હતી, અને હાલ તે ફરાર છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલુ છે. તેઓએ જણાવ્યું હતું કે, ‘પીડિતોએ આરોપ લગાવ્યો કે ઝઘડો થયો ત્યારે સુશીલ કુમાર સ્થળ પર હાજર હતો. તેથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. હાલ તેમને પકડવા દિલ્હી-NCR અને આજુબાજુના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.’
ગયા મંગળવારે રાત્રે છત્રસાલ સ્ટેડિયમમાં ઝઘડામાં 23 વર્ષીય કુસ્તીબાજનું મોત નીપજ્યું હતું. કુસ્તીબાજ અને તેના બે મિત્રો પર સ્ટેડિયમમાં અન્ય કુસ્તીબાજો દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના કહેવા મુજબ, ‘આ લડાઇઓમાં સુશીલ કુમાર, અજય, પ્રિન્સ દલાલ, સોનુ, સાગર, અમિત અને બીજા અન્ય લોકો સામેલ હતા. મોડેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં IPC કલમો અને સશસ્ત્ર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’
શું છે લુકઆઉટ નોટિસ?
જ્યારે કોઈ વ્યક્તિને ગુનાના સંદર્ભમાં પૂછપરછ માટે તપાસ એજન્સી દ્વારા બોલાવવામાં આવે છે, અને જો તે વ્યક્તિ તપાસ એજન્સીને સહકાર ન આપે અથવા તે કોઈ ગુપ્ત જગ્યાએ છુપાવવાનો પ્રયાસ કરે તો તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવે છે. લુકઆઉટ નોટિસએ વ્યક્તિને દેશની બહાર જતા અટકાવતા રોકે છે. આ સૂચનાના આધારે, વ્યક્તિને જળમાર્ગ અને વાયુમાર્ગ દ્વારા મુસાફરી કરવાની સખ્ત મનાઈ હોય છે. આ સૂચના આધારે તપાસ એજન્સી તપાસને વધુ સઘન અને સક્રિયતાથી હાથ ધરી શકે છે.