ઠેર ઠેર પાણી ભરાયા : વૃક્ષો ધરાશાયી થવાને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બ્લોક થયા
અસહ્ય ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારથી વરસાદ અને વાવાઝોડાએ વાતાવરણ ખુશનુમા બનાવી દીધું છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં હજુ પણ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગે ટ્વીટ કર્યું કે આગામી કેટલાક કલાકો સુધી ભારે પવન સાથે વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે. 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ અપેક્ષા છે. જોરદાર પવન અને વરસાદ વચ્ચે, વૃક્ષો ધરાશાયી થવાને કારણે દિલ્હીના કેટલાક ભાગોમાં રસ્તાઓ બ્લોક થયાની ઘણી તસવીરો પણ સામે આવી છે.
ખરાબ હવામાનને કારણે એર ટ્રાફિકને ભારે અસર થઈ છે. તે જ સમયે, વરસાદ અને તેજ પવનને કારણે દિલ્હીના કેટલાક ભાગોમાં વીજળી ગઈ હતી. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના શહેરો ગયા અઠવાડિયે તીવ્ર ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારબાદ આજે સવારના વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો છે. વરસાદ અને ગાજવીજને કારણે સવારના સમયે પણ રસ્તાઓ જામ થઈ શકે છે.
દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા કેટલાક દાયકાઓમાં મે મહિનામાં આ સૌથી નીચું તાપમાન છે. 1982માં 2 મેના રોજ 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોરદાર વાવાઝોડાને કારણે ધૌલકુવા વિસ્તારમાં રસ્તા પર વૃક્ષો પણ પડી ગયા હતા. તે જ સમયે, દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ ભારે પવન અને વરસાદને કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.