દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં ઉત્તર,પૂર્વ અને દક્ષિણમાં ભાજપને તોતીંગ બહુમતી: ૨૭૦ બેઠકોમાંથી ભાજપ ૧૮૩, કોંગ્રેસ ૩૫, આપ ૩૯ અને અન્ય પક્ષો ૧૩ બેઠકો પર આગળ: અરવિંદ કેજરીવાલે ફરી ઈવીએમ પર હારનું ઠીકરુ ફોડયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રતિષ્ઠાનો જંગ ગણાતી દિલ્હી નગર નિગમની સામાન્ય ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ ગયા છે. ઉતર, પૂર્વ અને દક્ષિણ દિલ્હીમાં ભાજપને તોતીંગ બહુમતી હાંસલ થઈ છે. ૨૭૦ બેઠકોમાંથી ભાજપ ૧૮૩, કોંગ્રેસ ૩૫, આ૫ ૩૯ અને અન્ય રાજકીય પક્ષો ૧૩ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હારનુ ઠીકરુ ફરી એકવાર ઈવીએમ પર ફોડયું છે અને હાર માટે મંથન બેઠક બોલાવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હીની ૨૭૨ પૈકી ૨૭૦ બેઠકો માટે ગત રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ ૫૪ ટકા જેટલું મતદાન થયું હતું. ચૂંટણી બાદ તમામ ન્યુઝ ચેનલ અને ખાનગી એજન્સીઓએ રાજધાની દિલ્હીમાં ભાજપ તોતીંગ બહુમતી સાથે ફરી સત્તા હાંસલ કરશે તેવી આગાહી કરી હતી. જે આજે મતગણતરીના દિવસે ૧૦૦ ટકા સચોટ પુરવાર થઈ હતી. ઉતર, દક્ષિણ અને પૂર્વ દિલ્હીમાં રીતસર ભાજપનું બુલડોઝર ફરી વળતા આપ અને કોંગ્રેસનું જબર ધોવાણ થઈ ગયું છે. દક્ષિણ દિલ્હીની ૧૦૪ બેઠકો પૈકી ભાજપનો ૬૯ બેઠકો પર ભવ્ય વિજય થયો છે. જયારે કોંગ્રેસ અહીં માત્ર ૧૩ બેઠકો પર સમેટાય ગયું છે. આપના ફાળે ૧૭ અને અન્ય રાજકીય પક્ષોના ફાળે માત્ર ૫ બેઠકો આવી છે. ઉતર દિલ્હીમાં પણ કમળ ખીલી ઉઠયું છે. ઉતર દિલ્હીમાં ૧૦૩ બેઠકો પૈકી ૭૧ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જયારે ૧૪ બેઠકો પર કોંગ્રેસ અને ૧૬ બેઠકો પર આપની જીત થઈ છે. જયારે ૩ બેઠકો પર અન્ય રાજકીય પક્ષ કે અપક્ષના ઉમેદવારો વિજય બન્યા છે.
પૂર્વ દિલ્હીના મતદારોએ પણ વધુ એક વખત ભાજપ પર વિશ્ર્વાસ મુકયો છે. પૂર્વ દિલ્હીની ૬૩ બેઠકો પૈકી ૪૩ બેઠકો પર ભાજપની શાનદાર જીત થઈ છે. જયારે કોંગ્રેસ અને આપ અહીં બે અંકોમાં પણ પહોંચી શકયું નથી. પૂર્વ દિલ્હીમાં કોંગ્રેસના ફાળે ૯ અને આપના ફાળે માત્ર ૬ બેઠકો આવી છે. જયારે અન્ય પક્ષના ફાળે માત્ર ૬ બેઠકો આવી છે. દિલ્હી નગર નિગમની ૨૭૭ બેઠકો પૈકી ૧૮૩ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. ૩૯ બેઠકો સાથે અહીં આપ બીજા નંબર છે અને ૩૫ બેઠકો સાથે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. ગત વખતે ચૂંટણીમાં ભાજપને ફાળે ૧૩૮ બેઠકો આવી હતી. કોંગ્રેસના ૭૮ બેઠકો ઉપર વિજય થયો હતો. દિલહીમાં કોંગ્રેસનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે.
નગર નિગમની ચૂંટણીમા કારમા પરાજય બાદ આજે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આપના તમામ હોદેદારોની બેઠક મળી હતી. જેમાં ફરી એક વખત હારનું ઠીકડુ ઈવીએમ પર ફોડવામાં આવ્યું હતું. દિલ્હીમાં શાનદાર જીત થતા દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ છવાયો ગયો છે. દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ શાનદાર જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને આપ્યો છે.