એક્ઝિટ પોલના આંકડાએ ભાજપને ચિંતામાં મૂકી દીધુ
ભાજપને 69 થી 91 સીટ તથા કોંગ્રેસને માત્ર 3-7 સીટો મળવાનું અનુમાન: કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં
દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીના એક્ઝિટ પોલના આકડાએ ભાજપને ચિંતામાં મૂકી દીધુ છે. જેમાં આપને દોઢસોથી વધુ બેઠક મળવાનો અંદાજ લગાવાયો છે.જ્યારે ભાજપને 69થી 91 સીટ તથા કોંગ્રેસને માત્ર 3-7 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
દિલ્હી કોર્પોરેશન ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ જાહેર થયા છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઈન્ડિયાએ આમ આદમી પાર્ટીને 149થી 171 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ટાઇમ્સ નાઉ-ઈટીજીએ 146થી 156 સીટો આપના ખાતામાં દર્શાવી છે. એક્ઝિટ પોલના પરિણામમાં ભાજપ બીજા નંબરની પાર્ટી છે. તો કોંગ્રેસની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.
ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઇન્ડિયાએ દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપને 69થી 91 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો કોંગ્રેસને માત્ર 3-7 સીટો મળી શકે છે. ટાઈમ્સ નાઉ-ઈટીજી પ્રમાણે એમસીડીમાં ભાજપને 84-94 સીટો મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 6-10 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરી છે.
વોટ શેરના મામલામાં ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઈન્ડિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને 46 ટકા મહિલા અને 40 ટકા પુરૂષ મતદાતાઓના મત મળશે. ભાજપને 34 ટકા મહિલા અને 36 ટકા પુરૂષોના મત મળવાની સંભાવના છે. કોંગ્રેસને 9 ટકા મહિલા અને 11 ટકા પુરૂષોએ મત આપ્યા છે. એક્ઝિટ પોલ પ્રમાણે અન્યના ખાતામાં 11 ટકા મહિલા અને 13 ટકા પુરૂષોના મત ગયા છે.
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના સર્વે મુજબ, પૂર્વ દિલ્હીના મતદારોએ આપને સૌથી વધુ 43 ટકા મતદાન કર્યું છે, ત્યારબાદ ભાજપને 37 ટકા, કોંગ્રેસને 8 ટકા અને અન્ય માટે 12 ટકા મતદાન થયું છે.
પંજાબી મતદારોએ આપને 58 ટકા, ભાજપને 24 ટકા, કોંગ્રેસને 8 ટકા અને અન્યને 10 ટકા મત આપ્યા છે. બીજી તરફ, દિલ્હી મૂળના મતદારોએ આપને 42 ટકા, ભાજપને 34 ટકા, કોંગ્રેસને 11 ટકા અને અન્યને 13 ટકા મત આપ્યા છે.