દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર એક અજ્ઞાત વ્યક્તિએ સચિવાલયમાં જ મરચાનો પાવડર ફેંકી હુમલો કર્યો છે. ઘટનામાં કેજરીવાલના ચશ્મા પડી ગયા હતા. પોલીસે હુમલાખોરની ઘટનાસ્થળેથી ધરપકડ કરી લીધી છે. તેને પોતાની ઓળખ અનિલ કુમાર હિંદુસ્તાની તરીકે આપી છે. હાલ પોલીસે તેને ઈન્દ્રપ્રસ્થ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
આમ આદમી પાર્ટીએ ઘટના પર ટ્વીટમાં લખ્યું, “દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ઘાતક હુમલો, દિલ્હી પોલીસ તરફથી સુરક્ષામાં મોટી ચૂક.દિલ્હીમાં મુખ્યમંત્રી પણ સુરક્ષિત નથી.” અન્ય એક ટ્વીટમાં પાર્ટીએ હુમલાને લઈને પ્રેસ કોન્ફરન્સની વાત કરી છે.
આ પહેલાં પણ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ થયાં છે. કેજરીવાલ પર વર્ષ 2016ના ઓક્ટોબરમાં રાજસ્થાનના બીકારનેરમાં શાહી ફેંકવામાં આવી હતી. તેઓ ત્યાં આમ આદમી પાર્ટીના એક સ્થાનિક નેતાની શોક સભામાં ગયા હતા.જાન્યુઆરીમાં એક મહિલાએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કેજરીવાલ પર શાહી ફેંકી હતી. તેના કારણે દિલ્હી સરકારે દિલ્હી પોલીસ પર કેજરીવાલની સુરક્ષામાં ઉદાસિનતા અને બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો.