લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાતના પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠક ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ડોક્ટર સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, આગામી 7 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રીભગવંત માનજી ગુજરાતની મુલાકાત લેશે. ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભા ખાતે એક જનસભામાં ભાગ લેવા આમ આદમી પાર્ટીના બંને નેતા આવશે.
ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાં જંગી જાહેર સભા યોજશે: પંજાબના સી.એમ. ભગવંત માન પણ આવશે
લોકપ્રિય આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે, કારણ કે ભાજપને ચૈતરભાઈ વસાવાથી ખતરો મહેસુસ થઈ રહ્યો છે. ભાજપ પોતાના વિરોધીઓને ખરીદવા માંગે છે અને જો ખરીદી નથી શકતા તો ષડયંત્ર રચીને તેમને હટાવવાની કોશિશ કરે છે.
ગુજરાતની જનતાએ ભાજપને ફરીથી સત્તા સોંપી પરંતુ ગુજરાતની સમસ્યા હજુ જેમની તેમ જ છે. આજે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે. જો બેરોજગાર યુવાનોના વિસ્તારમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે યુવાનો ડ્રગ્સની ચપેટમાં આવી જશે. ગુજરાતની જનતાએ ગુજરાતની સમસ્યાઓને લઈને છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફ વોટિંગ કર્યું હતું અને આમ આદમી પાર્ટી ગુજરાતની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.
અમે જોયું છે કે ચૈતરભાઈ વસાવા ખૂબ જ લોકપ્રિય નેતા છે, તો અમે ખાતરીપૂર્વક કહી શકીશું કે જો ગુજરાતમાં ભાજપ કોઈ પહેલી સીટ હારશે તો તે ચૈતર વસાવા સામેની સીટ હશે. આમ આદમી પાર્ટી દેશની સૌથી ઝડપથી વિકસી રહેલી પાર્ટી છે અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ 40 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો. તેનાથી આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત સંગઠન બનાવી ચૂકી છે.
જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ ચૂંટણી જીતી હતી, ત્યારથી જ ભાજપ પોતાના તમામ કામ બાજુમાં મૂકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવા માટે મહેનત કરી રહી છે અને આ વાત સમગ્ર ગુજરાતના લોકો જાણે છે. વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા હતા અને ત્યાં ચૂંટણી થશે ત્યારે ફરીથી આમ આદમી પાર્ટીને જીત મળશે. ધારાસભ્યોને તોડવાના કામના કારણે ભવિષ્યમાં લોકો ભાજપને યાદ રાખશે, કારણ કે આપણે જોયું છે કે ભાજપ બીજા ધારાસભ્યોને પરેશાન કરીને, ખરીદીને દેશને ખતમ કરવાનો પ્રયાસ કરતી હોય છે.