શિખર ધવને આઈપીએલ કરિયરની ૩૦મી ફિફ્ટી મારી;એનરિચ નોર્ટજેએ સીઝનનો સૌથી ઝડપી ૧૫૬.૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો
આઇપીએલની ૩૦મી મેચ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. છેલ્લી ૩ મેચથી દિલ્હીના બોલરો પોતાનો અદભુત દેખાવ આપી રહ્યા છે. ખાસ તો મેચની છેલ્લી ૪ ઓવરો કે જેને ડેથ ઓવરો કહેવામાં આવે છે તે ડેથ ઓવરોમાં દિલ્હીના બોલરોનો કોઈ જોટો નથી. દિલ્હીના બોલરો ડેથ ઓવર દરમિયાન હાથ માંથી ગયેલી મેચને ફરી પોતાની તરફ લાવી શકે છે. દિલ્હીના એનરીક નોરતજે, રબાડા, અને તુષારદેશ પાંડે દ્વારા છેલ્લી કેટલીય મેચોથી પોતાની ટીમ માટે અદભુત દેખાવો કરી રહ્યા છે.
આઇપીએલની ૧૩મી સીઝનની ૩૦મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને ૧૩ રને હરાવ્યું હતું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. દિલ્હીએ રાજસ્થાનને સતત પાંચમી મેચમાં હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ૧૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાન ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૮ રન જ કરી શક્યું હતું. દિલ્હી માટે શિખર ધવન અને શ્રેયસ ઐયરે ફિફટી મારી હતી. અત્યાર સુધીમાં દિલ્હીની ટીમ દુબઈના મેદાન પર સીઝનમાં કોઈ મેચ હારી નથી.
સંજુ સેમસન અક્ષર પટેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ૧૮ બોલમાં ૨૫ રન કર્યા હતા. તે પછી અક્ષરે રિયાન પરાગને ૧ રને રનઆઉટ કર્યો હતો. દિલ્હીના ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેએ આ સીઝનનો સૌથી ઝડપી ૧૫૬.૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ બોલ પર બટલરે ચોક્કો માર્યો હતો.
દિલ્હી વતી સિઝનની પહેલી મેચ રમી રહેલા તુષાર પાંડેએ બેન સ્ટોક્સને આઉટ કરીને પોતાની વિકેટનું ખાતું ખોલ્યું હતું. સ્ટોક્સે ૩૫ બોલમાં ૬ ફોરની મદદથી ૪૧ રન કર્યા હતા.
જોસ બટલર એનરિચ નોર્ટજેની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ટીમને આક્રમક શરૂઆત અપાવતા ૯ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૨ રન કર્યા છે. તે પછી સ્ટીવ સ્મિથ ઓફ સ્પિનર અશ્વિનને રિટર્ન કેચ આપી બેઠો હતો. તેણે ૪ બોલમાં ૧ રન કર્યો હતો.
શિખર ધવને પોતાના આઇપીએલ કરિયરની ૩૯મી ફિફટી ફટકારતા ૩૩ બોલમાં ૬ ફોર અને ૨ સિક્સની મદદથી ૫૭ રન કર્યા હતા. શિખર ધવન અને શ્રેયસ ઐયર સાથે ત્રીજી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી કરી હતી. જ્યારે ઐયરે પોતાના કરિયરની ૧૫મી ફિફટી ફટકારતા ૪૩ બોલમાં ૩ ફોર અને ૨ સિક્સની મદદથી ૫૩ રન કર્યા. ધવને આજે આઇપીએલમાં ૩૯મી ફિફટી ફટકારી હતી. તે આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો છે.
પૃથ્વી શો મેચના પ્રથમ બોલે જ શૂન્ય રને જોફરા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો. તે પછી અજિંક્ય રહાણે આર્ચરની બોલિંગમાં મીડ-ઓન પર ઉથપ્પાના હાથે કેચ આઉટ થયો હતો. રહાણેએ ૯ બોલમાં માત્ર ૨ જ રન કર્યા હતા.