ફિકસ ડીપોઝીટમાં વધુ વળતર આપવાની લોભામણી લાલચ દઇ અનેકને શીશામાં ઉતાર્યા
દિલ્હી અને બરોડાના શખ્સોએ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા જીમી ટાવરમાં સ્કાય લાર્ક ડેવલોર્પસ એન્ડ ઇન્ફ્રા ટ્રકચર નામની કંપની બનાવી અનેક રોકાણકારો પાસેથી ફિકસ ડિપોઝીટ મેળવી રૂ.૧.૩૭ કરોડની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે આવેલા જૈન દેરાસરવાળી શેરીમાં સુંદરમ પાર્કમાં રહેતા સુધીરસિંહ રતનદેવ ઠાકુરે બરોડાના રાજકુમાર રામમનોહરલાલ કટીયાર અને દિલ્હીના દિલીપકુમાર જૈન સામે રૂ.૧.૩૭ કરોડની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
બરોડાના રાજકુમાર કટીયાર અને દિલ્હીના દિલીપકુમાર જૈને ગોંડલ રોડ પર જીમી ટાવરના પહેલાં માળે સ્કાય લાર્ક ડેવોપર્સ એન્ડ ઇન્ફ્રા ટ્રકચર પ્રા.લી. નામની કંપનીની ઓફિસ શ‚ કરી રોકાણકારોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપતી જાહેરાત કરી એજન્ટો નિમીને મોટી સંખ્યામાં રોકાણકારોને ત્રીમાસિક, છ માસિક અને વાર્ષિક રોકાણની જુદી જુદી સ્કીમ બતાવી રોકાણ કરાવી પાકતી મુદતે પેમેન્ટ ન ચૂકવી ઓફિસ બંધ કરી રાતોરાત ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સુધિરસિંહ ઠાકુરની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે બરોડાના રાજકુમાર કટીયાર અને દિલ્હીના દિલીપકુમાર જૈન સામે ગુનો નોંધી પી.એસ.આઇ. એ.જી. અંબાસણા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે. જીમી ટાવરમાં આવેલી સ્કાય લાર્ક ડેવલોપર્સ એન્ડ ઇન્ફ્રા ટ્રકચરની ઓફિસ બંધ થયાની ૨૦૧૫માં રોકાણકારોને જાણ થતા મોટી સંખ્યામાં ઘસી ગયા હતા અને તોડફોડ કરી હતી. પોલીસે રોકાણકારોની અરજી લીધા બાદ તપાસના અંગે બંને શખ્સો સામે રૂ.૧.૩૭ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.