કાયદાની ધાર બુઠ્ઠી થાય ત્યારે અવ્યવહાર ઉભા થાય છે?

પોલીસના ભ્રષ્ટાચારથી લોકોને વળતર ન મળતા પોલીસ બદનામ થાય પોલીસ કમિશનર આવશે અને જશે આબરૂ બચાવવા આત્મમંથનની જરૂર?

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે સતાધારી ભાજપના જ ધારાસભ્ય અને સાંસદ દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અંગે ગૃહ મંત્રીને લખેલા પત્રથી રાજયભરનું પોલીસતંત્ર શોભ અનુભવી રહ્યું છે. ત્યારે આવી ઘટના કેમ બની રહી છે. તે અંગે આત્મમંથન કરવું જરૂરી બન્યું છે. કાયદાની ધાર બુઠ્ઠી થાય ત્યારે આવા અવ્યવહાર ઉભા થતા હોય છે. ન્યાય પ્રણાલીને સાઇડ લાઇન કરી સોટકટ કરવાના કારણે થયેલા અવ્યવહાર તંત્ર માટે મુશ્કેલી ઉભી કરે છે.

ન્યાય મેળવવામાં લાંબો સમય લાગતો હોવાથી તારીખ પે તારીખથી કંટાળી લોકો અયોગ્ય માર્ગ અપવાની કાયદાની બહાર વહીવટ અને વ્યવહાર તરફ વળી જતા હોય છે. આવા જ વહીવટ અને વ્યવહારના કારણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેશ સખીયા સાથે થયેલા સેટીંગકાંડ પ્રકાશમાં આવ્યું છે.

મહેશ સખીયાએ શા માટે ફરિયાદ ન નોંધાવી પોલીસ સાથે સેટીંગ કરી કમિશન આપવાની તૈયારી બતાવી તેવો સવાલ થઇ રહ્યો છે. શું મહેશ સખીયા ન્યાય મેળવવા ધિરજ ધરી શકે તેમ ન હતા કે પછી સોટકટ કરી પોતાની મનમાની કરાવવા પોલીસ સાથે ગોઠવણ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઘટના પાછળ મહેશ સખીયાનો અંગત સ્વાર્થ હોવાનું જણાય રહ્યું છે એટલે જ મહેશ સખીયા જેવા લોભીનું ધન ધૂતારા ખાઇ ગયા જેવી ઘટના બની છે.

1860માં બનેલા ભારતીય ફોજદારી ધારામાં 511 કલમનો પોલીસ દ્વારા પ્રમાણિક રીતે અમલ કરાવવામાં આવે તો આઇપીસીની જોગવાય પરયાપ્ત છે. આઇપીસીના કાયદાનો અમલ કરાવવામાં તંત્ર અને પોલીસ કેમ ઉણી ઉતરી છે. કાયદાને અસરકારક બનાવવા સરકારે દારૂબંધી, જમીન કૌભાંડ અને આંતકવાદ માટે કાયદામાં સુધારા કરવાની કેમ જરૂર પડે છે. તેવો સવાલ થઇ રહ્યો છે.

1976માં સરકાર દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદા ધારો અમલમાં આવ્યો હતો તેમા 1500 ચોરસ મીટરથી વધુ જમીન હોય તો તેની જમીન સરકાર દ્વારા ખાલસા કરી વધારાની જમીન સરકાર હસ્ત કરવામાં આવતી હતી આ કાયદાની સાઇડ અસર એ ઉભી થઇ કે જમીન ધારકો પોતાની જમીન ટોચ મર્યાદામાં ન જાય તે માટે સુચિત સોસાયટી ઉભી કરી હતી. કાયદાની આટીઘુટી અને છટકબારીના કારણે ઉભા થતા વિવાદ ઉભો થતો હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે.

કાલ્પનિક ઘટના

  • મોદી : શું ચાલે છે  ગુજરાતમાં?
  • શાહ : પાટીલ ચાલે છે?
  • મોદી : બીજું શું ચાલે છે ?
  • શાહ : બસ પાટીલ જ ચાલે છે!!!

ગુજરાતના રાજકારણમાં અનોખો ચીલો ચાલી રહ્યો છે. અગાઉ ભાજપના અનેક પ્રદેશ પ્રમુખો આવ્યા અને ગયા, પણ વર્તમાન પ્રદેશ પ્રમુખના હોદાની વાત જ અલગ છે. આ હોદ્દો જાણે રાજ્યનું પાવર હાઉસ બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.

રાજ્યની વર્તમાન સ્થિતિ જોઇએ તો રાજ્યમાં પ્રદેશ પ્રમુખ પાટીલ જ સર્વસ્વ ગણવામાં આવી રહ્યા છે. સંગઠનના તો ઠીક સરકાર કક્ષાના અનેક નિર્ણયોમાં પણ પાટીલનો પાવર ચાલે છે. જ્યારે પાટીલ અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ત્યારે અબતક દ્વારા પૂછવામાં આવ્યું હતું કે પ્રમુખો તો આવ્યા અને ગયા છે પણ અત્યારે પાવર હાઉસ પ્રમુખ પાસે શિફ્ટ થઈ ગયું છે. ત્યારે પાટીલે ટૂંકો પણ ઘણું કહી દેતો જવાબ આપ્યો હતો અને કહ્યું કે ઘર તો એજ હતું. બસ રંગ રોગાન કર્યું છે.

પાટીલ અને રૂપાણી આ બન્ને વચ્ચે અંદરખાને મનમેળ ન હોવાની પણ વાતો ઉડી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે. કે રાજકીય ધમાસાણમાં વીઆર ઉપર સીઆર ભારી પડ્યા છે. એટલે રાજકારણના સમીકરણો બદલાતા થઈ ગયા છે. બીજી તરફ ઘણી ઘટનાઓમાં પડદા પાછળ રાજકીય રંગ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ કમિશનરના કમિશનના આક્ષેપ વાળી ઘટનામાં ફરિયાદી સખીયાએ એવું પણ નિવેદન આપ્યું છે કે તેઓએ સી.આર.પાટીલને પણ રજૂઆતો કરી છે. મતલબ પ્રદેશ પ્રમુખ પાસે પણ લોકો પોતાના પ્રશ્નો લઈને જઈ રહ્યા છે. બીજી તરફ પોલીસ કમિશનરે એવું પણ કહ્યું છે કે આ પદાધિકારીઓની લડાઈ છે. આ નિવેદન ટૂંકમાં ઘણું કહી જાય છે.

મુનિરા અને સખીયાના વહીવટથી પોલીસ થઇ બદનામ

રાજકોટ પોલીસ સામે ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપ પાછળ મુનિરા અને સખીયા વચ્ચે થયેલા વ્યવહાર અને વહીવટ કારણભૂત છે. કાયદાની પરિભાષાની બહાર વ્યવહાર અને વહીવટ કેમ થયા, શુ લોભ, લાલચ કે પછી મુર્ખામી ભર્યા વહીવટના કારણે પોલીસને બદનામ થવું પડયું છે. બંને વચ્ચેના વિવાદાસ્પદ વહીવટમાં પોલીસ પોતાનો રોટલો સેકવા જતાં પોલીસનો કુંડાળામાં પગ આવી ગયો છે.

મહેશ સખીયાએ રૂા15 કરોડ જેવી રકમ મુનિરા આપી વિશ્ર્વાસ કરવા પાછળનું કારણ શું હોય તે મુનિરા અને સખીયા જાણે પરંતુ બંને વચ્ચેના વિવાદાસ્પદ વહીવટ રાજયભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ એડિશનલ ડીજી વિકાસ સહાયને સોંપાઇ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ એડીશ્નલ ડીજી વિકાસ સહાય ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લઈ મનોજ અગ્રવાલની તાત્કાલિક અસરથી બદલી કરવાનો તખ્તો ઘડાઇ ગયો હોવાનું ગૃહ વિભાગના સૂત્રોથી જાણવા મળ્યું છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટના વેપારી સાથે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. કમિશનરે વસૂલાયેલી રકમનો 15 ટકા હિસ્સો પીઆઈ ગઢવી મારફતે માગ્યો હતો અને વસૂલાયેલા 7 કરોડ સામે 75 લાખ પડાવ્યા હતા. વેપારી મહેશ સખિયા સાથે 15 કરોડની છેતરપિંડીના મામલામાં પૈસા પડાવ્યાની ફરિયાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી હતી. છેવટે ગોવિંદ પટેલ અને સાંસદ રામભાઇ મોકરિયાએ સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.